રોહિત શર્મા બની ગયો વન-ડે ક્રિકેટનો સિક્સર કિંગ

01 December, 2025 10:30 AM IST  |  Ranchi | Gujarati Mid-day Correspondent

સૌથી વધુ ૩૫૨ સિક્સ હવે હિટમૅનના નામે : શાહિદ આફ્રિદીની ૩૫૧ સિક્સથી આગળ નીકળી ગયો

રોહિત શર્માએ ગઈ કાલે ચાર ફોર અને ત્રણ સિક્સની મદદથી ૫૧ બૉલમાં ૫૭ રન કર્યા હતા

રોહિત શર્મા હવે વન-ડે ક્રિકેટમાં હાઇએસ્ટ સિક્સ ફટકારનારો બૅટર બની ગયો છે. ગઈ કાલે સાઉથ આફ્રિકા સામેની મૅચમાં ત્રણ સિક્સ મારીને તે શાહિદ આફ્રિદી કરતાં આગળ નીકળી ગયો છે. ગઈ કાલની મૅચ પહેલાં વન-ડે ક્રિકેટમાં આફ્રિદીની ૩૫૧ સિક્સ હતી અને રોહિતની ૩૪૯ હતી. રોહિત હવે ૩૫૨ સિક્સ સાથે સિક્સર કિંગ બની ગયો છે. ત્રીજા નંબરે ૩૩૧ સિક્સ સાથે ક્રિસ ગેઇલ છે, પણ ઉલ્લેખનીય છે કે રોહિતે આફ્રિદી અને ગેઇલ કરતાં ઓછી મૅચોમાં વધુ સિક્સ ફટકારી છે.

વન-ડે ક્રિકેટના ટૉપ ફાઇવ સિક્સ-હિટર્સ

નામ

મૅચ

ઇનિંગ્સ

સિક્સ

રોહિત શર્મા

૨૭૭

૨૬૯

૩૫૨

શાહિદ આફ્રિદી

૩૯૮

૩૬૯

૩૫૧

ક્રિસ ગેઇલ

૩૦૧

૨૯૪

૩૩૧

સનથ જયસૂર્યા

૪૪૫

૪૩૩

૨૭૦

એમ. એસ. ધોની

૩૫૦

૨૯૭

૨૨૯

૩૯૨મી વાર સાથે રમવા ઊતરીને સચિન-રાહુલનો રેકૉર્ડ તોડ્યો રોહિત-વિરાટે

ગઈ કાલે રાંચીમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી રમવા ઊતર્યા ત્યારે તેમણે ભારત માટે ઇન્ટરનૅશનલ મૅચોમાં સૌથી વધુ વાર સાથે રમવાનો નવો કીર્તિમાન સ્થાપિત કર્યો. ગઈ કાલે રોહિત અને વિરાટ ૩૯૨મી વાર સાથે રમ્યા. આ પહેલાં આ રેકૉર્ડ સચિન તેન્ડુલકર અને રાહુલ દ્રવિડનો હતો જેઓ ૩૯૧ મૅચોમાં સાથે રમ્યા હતા. સચિન અને રાહુલ ૧૪૬ ટેસ્ટ-મૅચ અને ૨૪૫ વન-ડેમાં સાથે રમ્યા હતા; જ્યારે રોહિત અને વિરાટ ૬૦ ટેસ્ટમાં, ૨૨૬ વન-ડેમાં અને ૧૦૬ T20 મૅચોમાં સાથે રમ્યા છે.

rohit sharma one day international odi indian cricket team team india india south africa virat kohli cricket news sports sports news