28 November, 2025 09:33 AM IST | Ranchi | Gujarati Mid-day Correspondent
વિરાટ કોહલી અને રોહિત શર્મા બન્નેએ વારાફરતી નેટમાં બૅટિંગ-પ્રૅક્ટિસ કરી હતી
સાઉથ આફ્રિકા સામેની ત્રણ વન-ડેની સિરીઝ ૩૦ નવેમ્બરથી ૬ ડિસેમ્બર વચ્ચે રમાશે. પહેલી વન-ડે માટે વિરાટ કોહલી અને રોહિત શર્મા બુધવારે રાંચી પહોંચી ગયા હતા. ગઈ કાલે બન્નેએ ઝારખંડ સ્ટેટ ક્રિકેટ અસોસિએશન ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં વચ્ચેની પિચ પર નેટ સેટ કરીને બૅટિંગ-પ્રૅક્ટિસ શરૂ કરી હતી. બન્નેએ વારાફરતી નેટમાં બૅટિંગ-પ્રૅક્ટિસ કરી હતી. નેટ-સેશન દરમ્યાન બન્ને એકબીજાની બૅટિંગ પણ નિહાળી રહ્યા હતા.
ટેસ્ટ-સિરીઝ રમીને આવેલી વન-ડે સ્ક્વૉડના ઑલમોસ્ટ તમામ પ્લેયર્સ પણ રાંચી પહોંચી ગયા છે. ગઈ કાલે મોટા ભાગના પ્લેયર્સે આરામ કરવાનું પસંદ કર્યું હતું. મૅચના બે દિવસ પહેલાં આજથી આખી ભારતીય ટીમ મેદાન પર વન-ડે જંગની તૈયારી શરૂ કરશે.
ધોનીના ઘરે જમવા જશે રોહિત-વિરાટ સહિતની ભારતીય ટીમ?
ભારતનો ભૂતપૂર્વ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ઝારખંડના રાંચીનો જ રહેવાસી છે. તે આજ-કાલમાં રોહિત શર્મા, વિરાટ કોહલી અને આખી ભારતીય ટીમને તેના ઘરે લંચ કે ડિનર માટે આમંત્રિત કરે એવી સંભાવના છે. ભારતીય ટીમ જ્યારે પણ રાંચી આવે છે ત્યારે ધોની ઘણી વાર ટીમને ડિનર માટે આમંત્રણ આપે છે.