01 December, 2025 09:41 AM IST | Ranchi | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે છેલ્લે કટોકટીના સમયે કુલદીપ યાદવે શાનદાર બોલિંગ કરીને એક જ ઓવરમાં બે વિકેટ લઈને ભારતને જીત અપાવી હતી. તેણે કુલ ૪ વિકેટ લીધી હતી. સાથીપ્લેયરો અને રવીન્દ્ર જાડેજાએ તેને ઊંચકી લીધો હતો.
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ત્રણ મૅચની વન-ડે સિરીઝનો ગઈ કાલે રાંચીમાં ધમાકેદાર પ્રારંભ થયો હતો. વિરાટ કોહલીની ઐતિહાસિક સદી, વિરાટ અને રોહિત શર્મા વચ્ચેની સેન્ચુરી પાર્ટનરશિપ, ૩૫૦ રનના ટાર્ગેટ પછી શરૂઆતના ધબડકા પછી સાઉથ આફ્રિકાએ આપેલી વળતી લડતને લીધે આ મૅચ રોમાંચક બની ગઈ હતી. ભારતે છેલ્લી ઓવરમાં આ મૅચ ૧૭ રનથી જીતી લઈને સિરીઝમાં ૧-૦થી લીડ લઈ લીધી છે. ભારતે ૫૦ ઓવરમાં ૮ વિકેટે કરેલા ૩૪૯ રનના જવાબમાં સાઉથ આફ્રિકા ૪૯.૨ ઓવરમાં ૩૩૨ રન કરીને ઑલઆઉટ થયું હતું.
વન-ડે ક્રિકેટમાં ભારત સતત ઓગણીસમો ટૉસ હારીને પહેલાં બૅટિંગમાં ઊતર્યું હતું. ભારતે યશસ્વી જાયસવાલના રૂપમાં પહેલી વિકેટ ચોથી ઓવરના પહેલા બૉલે જ ગુમાવી હતી અને ત્યારે સ્કોર હતો માત્ર પચીસ રન. આ તબક્કે રોહિત શર્મા સાથે વિરાટ કોહલી જોડાયો હતો. રો-કોની આ જોડીએ પોતાનો તમામ અનુભવ કામે લગાડીને બાજી સંભાળી લીધી હતી અને ૧૩૬ રનની પાર્ટનરશિપ કરી હતી. રોહિત અને વિરાટ બન્નેએ આક્રમક બૅટિંગ કરી હતી. રોહિત ૫૧ બૉલમાં પાંચ ફોર અને ત્રણ સિક્સ મારીને ૫૭ રન બનાવીને આઉટ થયો હતો. રોહિતે વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ ૩૫૨ સિક્સ મારવાનો રેકૉર્ડ ગઈ કાલે નોંધાવ્યો હતો.
તિલક વર્માની જગ્યાએ ટીમમાં સમાવવામાં આવેલો ઋતુરાજ ગાયકવાડ સસ્તામાં આઉટ થયો હતો, પણ વિરાટે ધમાકેદાર બૅટિંગ કરીને જલસો પાડી દીધો હતો. તેણે ૧૨૦ બૉલમાં ૧૧ ફોર અને ૭ સિક્સની મદદથી ૧૩૫ રન કરીને વન-ડે ક્રિકેટની બાવનમી સદી નોંધાવી હતી અને આ સેન્ચુરી સાથે કોઈ એક ફૉર્મેટમાં સૌથી વધુ સદી નોંધાવવાનો સચિન તેન્ડુલકરનો રેકૉર્ડ તેણે તોડ્યો હતો. સચિને ટેસ્ટ-ક્રિકેટમાં ૫૧ સેન્ચુરી કરી છે.
પાંચમા નંબરે રમવા આવેલા વૉશિંગ્ટન સુંદરે કાંઈ ઉકાળ્યું નહોતું, પણ કૅપ્ટન કે. એલ. રાહુલે ૫૬ બૉલમાં ૬૦ રનની અને રવીન્દ્ર જાડેજાએ ૨૦ બૉલમાં ૩૨ રનની ઉપયોગી ઇનિંગ્સ રમી હતી.
સાઉથ આફ્રિકાની શરૂઆત અત્યંત નિરાશાજનક રહી હતી. એણે માત્ર ૧૧ રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી, પણ પછી મૅથ્યુ બીટ્સ્કી અને ટોની દ ઝૉર્ઝીએ બાજી સંભાળી હતી. તેમણે અનુક્રમે ૭૨ અને ૩૯ રન કર્યા હતા. ડેવાલ્ડ બ્રેવિસે ૩૭ રનનું યોગદાન આપ્યા પછી સાઉથ આફ્રિકાને ખરું કમબૅક માર્કો યાન્સેન અને કૉર્બિન બૉશે કરાવ્યું હતું. યાન્સેને માત્ર ૩૯ બૉલમાં ૮ ફોર અને ત્રણ સિક્સ ફટકારીને ૭૦ રન કર્યા હતા, જ્યારે છેલ્લી ઓવરમાં આઉટ થયેલા બૉશે ૫૧ બૉલમાં પાંચ ફોર અને ૪ સિક્સ ફટકારીને ૬૭ રન કર્યા હતા.
વન-ડે ક્રિકેટમાં સતત ૧૯મો ટૉસ હાર્યું ભારત
ગઈ કાલે ભારત વન-ડે ક્રિકેટમાં સળંગ ઓગણીસમો ટૉસ હારી ગયું હતું. ભારત છેલ્લે વન-ડે ક્રિકેટમાં ૨૦૨૩ના વર્લ્ડ કપ દરમ્યાન ૧૫ નવેમ્બરે ન્યુ ઝીલૅન્ડ સામેની સેમી-ફાઇનલમાં ટૉસ જીત્યું હતું. કોઈ પણ ટીમની સળંગ ૧૯ ટૉસ હારવાની સંભાવના ૦.૦૦૦૧૯ ટકા હોવાનું કહેવાય છે. એનો મતલબ એ થયો કે ૫,૨૪,૨૮૮ કેસમાં એક વાર આવું થાય.
૭૦૦૦મી ઇન્ટરનૅશનલ સદી નોંધાઈ રાંચીમાં
વિરાટ કોહલીએ ગઈ કાલે ફટકારેલી સદી ઇન્ટરનૅશનલ ક્રિકેટની ૭૦૦૦મી સેન્ચુરી હતી.
પહેલી : ચાર્લ્સ બૅનરમૅન (ઑસ્ટ્રેલિયા, ૧૮૭૭)
૧૦૦૦મી : ઇયાન ચૅપલ (ઑસ્ટ્રેલિયા, ૧૯૬૮)
૨૦૦૦મી : ડીન જોન્સ (આૅસ્ટ્રેલિયા, ૧૯૯૦)
૩૦૦૦મી : સ્ટીવ વૉ (આૅસ્ટ્રેલિયા, ૨૦૦૧)
૪૦૦૦મી : કુમાર સંગકારા (શ્રીલંકા, ૨૦૦૭)
૫૦૦૦મી : રોસ ટેલર (ન્યુ ઝીલૅન્ડ, ૨૦૧૪)
૬૦૦૦મી : એસ. વિક્રમસેકરા (ચેક રિપબ્લિક, ૨૦૧૯)
૭૦૦૦મી : વિરાટ કોહલી (ભારત, ૨૦૨૫)