30 November, 2023 08:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ
વર્લ્ડ કપમાં ભારતને પોતાના સુકાનમાં તમામ ૯ લીગ મૅચ અને સેમી ફાઇનલ સહિત કુલ ૧૦ મૅચ જિતાડનાર રોહિત શર્માએ ૨૦૨૦ના ટી૨૦ વર્લ્ડ કપની સેમી ફાઇનલ એક્ઝિટ બાદ ટી૨૦ ઇન્ટરનૅશનલ્સ રમવાની ઇચ્છા નહોતી બતાડી, પરંતુ આવતા મહિને સાઉથ આફ્રિકાના પ્રવાસે જનારી ટીમ માટે આજે જાહેર થનારી ટીમનો સુકાની બનવા નવા સિલેક્ટર્સ તેને વિનંતી કરશે. જો તે માની જશે તો તેને જ કૅપ્ટન બનાવાશે, કારણ કે હાર્દિક પંડ્યા હજી પગની ઘૂંટીની ઈજામાંથી બહાર નથી આવ્યો.
જોકે રોહિત ટી૨૦ ટીમનો સુકાની બનવા નહીં ઇચ્છે તો સૂર્યકુમાર યાદવને જ કૅપ્ટનપદે ચાલુ રાખવામાં આવે એવી સંભાવના છે. અજિત આગરકરની આગેવાનીમાં પસંદગીકારો આજે સાઉથ આફ્રિકા સામેની વન-ડે તથા ટેસ્ટ-સિરીઝ માટેની ટીમ પણ કદાચ સિલેક્ટ કરશે. વિરાટ કોહલીએ આ ટૂરની ટી૨૦ તથા વન-ડે સિરીઝમાંથી જ નહીં, પણ શૉર્ટ ફૉર્મેટની મૅચોમાંથી અનિશ્ચિત કાળ માટે બ્રેક માગ્યો હોવાનો ગઈ કાલે અહેવાલ હતો.
૩ ડિસેમ્બરે ભારતીયો ઑસ્ટ્રેલિયા સામે છેલ્લી ટી૨૦ રમશે અને તરત જ સાઉથ આફ્રિકાનો પ્રવાસ શરૂ થશે. ૧૦ ડિસેમ્બરથી ૭ જાન્યુઆરી દરમ્યાન ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ ટી૨૦, ત્રણ વન-ડે અને બે ટેસ્ટ રમાશે.