10 March, 2026 01:52 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
અડાલજની વાવમાં T20 વર્લ્ડ કપની ટ્રોફી સાથે ટીમ ઇન્ડિયાના કૅપ્ટન સૂર્યકુમાર યાદવ
ટીમ ઇન્ડિયાના કૅપ્ટન સૂર્યકુમાર યાદવે ગઈ કાલે અમદાવાદ નજીક આવેલી વિશ્વવિખ્યાત અડાલજની વાવ ખાતે વર્લ્ડ કપની ટ્રોફી સાથે ફોટોશૂટ કર્યું હતું. સૂર્યકુમાર યાદવ પોતાના ગામમાં આવતાં મોટી સંખ્યામાં ગામજનો તેમના ફેવરિટ ક્રિકેટરને જોવા વાવની બહાર એકઠા થયા હતા.
પોલીસ-બંદોબસ્તની વચ્ચે સૂર્યકુમાર યાદવ અડાલજની વાવ ખાતે પહોંચ્યો હતો. હેરિટેજ સ્થળોમાં સ્થાન પામેલા આ ઐતિહાસિક સ્થળે સૂર્યકુમાર યાદવે ટ્રોફી સાથે ફોટોશૂટ કર્યું હતું. વાવની અંદર ઊતરીને સૂર્યકુમાર યાદવે અલગ-અલગ પોઝમાં ફોટોશૂટ કરાવ્યું હતું. સૂર્યકુમાર યાદવ અડાલજની વાવ જોઈને પ્રભાવિત થયો હતો અને એની જાણકારી પણ મેળવી હતી.
વર્લ્ડ કપ જીતીને ટ્રોફી સાથે સૂર્યકુમાર યાદવ અડાલજમાં આવતાં ગામનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચ્યો હતો. ટીમ ઇન્ડિયાના કૅપ્ટનની એક ઝલક માટે ગામજનો ઊમટ્યા હતા. વાવના રસ્તા પર બાળકો, યુવાનો, યુવતીઓ, મહિલાઓ, વડીલોની ભીડ જામી હતી તો ઘણાબધા લોકો તો તેમના ઘરની છત પર ઊભા રહી ગયા હતા. સૂર્યાને જોતાં જ ચાહકોએ ઇન્ડિયા-ઇન્ડિયાની બૂમો પાડી હતી. સૂર્યકુમારે વાવની અંદર જતાં અને બહાર નીકળતી વખતે પણ હાથ ઊંચા કરીને તેના ચાહકોનું અભિવાદન કર્યું હતું.
ICC મેન્સ T20 વર્લ્ડ કપ ટ્રોફી ૨૦૦૭માં ભારતના જયપુરમાં ડિઝાઇનર અમિત પબુવાલ દ્વારા બનાવવામાં આવી હતી. પ્રારંભિક ડિઝાઇન ઑસ્ટ્રેલિયાના મિનેલ બ્રાયસે તૈયાર કરી હતી. આ ટ્રોફી લગભગ ૨૧ ઇંચ ઊંચી અને છ કિલોગ્રામ વજન ધરાવે છે. પ્લેટિનમ પ્લેટિંગ સાથે ચાંદીથી બનેલી આ ટ્રોફીમાં ત્રણે ઇન્ટરસેક્ટિંગ ટ્યુબની ડિઝાઇન છે જે બૅટિંગ, બોલિંગ અને ફીલ્ડિંગનું પ્રતિનિધિત્વ કરે છે.