જીતના ટ્રૅક પર કોણ પાછું ફરશે? ગુજરાત કે પંજાબ? કોહલી અને ગંભીર વચ્ચે આજે પ્રતિષ્ઠાનો જંગ

21 April, 2024 02:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સતત પાંચ મૅચ હારેલી વિરાટ ઍન્ડ કંપની માટે હવે પછીની દરેક મૅચ સેમી ફાઇનલ જેવી છે

ભૂતકાળમાં ક્રિકેટના મેદાન પર લડી ચૂકેલા વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર પ્રૅક્ટિસ-સેશન દરમ્યાન એકસાથે જોવા મળ્યા.

આજે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૧૭મી સીઝનની છઠ્ઠી ડબલ હેડર મૅચો રમાશે. બૅન્ગલોરમાં આજે બપોરે ૩.૩૦ વાગ્યે રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે જંગ જામશે. બીજી મૅચ સાંજે ૭.૩૦ વાગ્યે મુલ્લાંપુરમાં પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે.

હારની હૅટ-ટ્રિક કરીને પંજાબનો આત્મવિશ્વાસ ડગમગી ગયો છે. ઈજાગ્રસ્ત કૅપ્ટન શિખર ધવન આજની મૅચમાં રમી શકશે કે નહીં એ નિશ્ચિત નથી. કૅપ્ટન સૅમ કરૅનની કૅપ્ટન્સીમાં આશુતોષ શર્મા અને શશાંક સિંહ ટીમને જિતાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ગુજરાત સાથે પંજાબની ટીમ હારના ચોક્કાથી બચવાનો પ્રયત્ન કરશે. હોમગ્રાઉન્ડ પર દિલ્હી સામે શરમજનક હારનો સામનો કરીને આવેલી ગુજરાતની ટીમને શરમજનક પ્રદર્શનને ભૂલીને નવેસરથી શરૂઆત કરવી પડશે. કૅપ્ટન શુભમન ગિલ, સાઈ સુદર્શન, ડેવિડ મિલર અને રાશિદ ખાન જેવા સ્ટાર્સની હાજરી છતાં ટીમ સારું પ્રદર્શન કરી શકી નથી. બોલિંગમાં મોહમ્મદ શમીની ખોટ છે, જ્યારે ઉમેશ યાદવ ઘણો મોંઘો સાબિત થયો છે.

સતત પાંચ મૅચ હારેલી વિરાટ ઍન્ડ કંપની માટે હવે પછીની દરેક મૅચ સેમી ફાઇનલ જેવી છે. સાતમાંથી છ મૅચ હારી ચૂકેલી બૅન્ગલોરની ટીમ ૧૦મા ક્રમથી ઉપર આવવાનો પ્રયાસ જરૂરથી કરશે. હારથી કંટાળેલી બૅન્ગલોર સારી રીતે જાણે છે કે હવે કોઈ ભૂલનો અવકાશ નથી, એથી તેણે કલકત્તા સામે કોઈ પણ કિંમતે સારું પ્રદર્શન કરવું પડશે. સાત મૅચમાંથી છ હાર બાદ બૅન્ગલોરનું પ્રથમ IPL ટાઇટલ જીતવાનું સપનું અધૂરું દેખાઈ રહ્યું છે. પ્લેઑફની રેસમાં ટકી રહેવા બૅન્ગલોરે હવે પછીની સાતેય મૅચ જીતવી પડશે.

બૅન્ગલોરની નબળી કડી એના બોલરો રહ્યા છે અને ટીમ સંપૂર્ણપણે વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસી અને દિનેશ કાર્તિકની બૅટિંગ પર નિર્ભર છે. આ ત્રણેય હવે સુનીલ નારાયણ, મિચલ સ્ટાર્ક અને હર્ષિત રાણા જેવા બોલરોનો સામનો કરશે. છેલ્લી મૅચમાં રાજસ્થાન રૉયલ્સ દ્વારા કલકત્તાને છેલ્લા બૉલ પર હાર મળી હતી. સુનીલ નારાયણ, આન્દ્રે રસેલ અને રિંકુ સિંહ જેવા ખતરનાક બૅટ્સમેનોથી ભરેલી આ ટીમ જીતના ટ્રૅક પર ફરી વાપસી કરવાનો ટાર્ગેટ રાખશે.

sports news sports kolkata knight riders royal challengers bangalore indian premier league