રિષભ પંતની જગ્યાએ અક્ષર પટેલ બની શકે છે દિલ્હીનો કૅપ્ટન

18 October, 2024 09:36 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટીમ-મૅનેજમેન્ટ મેગા આ‌ૅક્શનમાં ૨૦૨૦માં ટીમને ફાઇનલમાં દોરી જનાર શ્રેયસ ઐયરને મેળવવા યોજના બનાવી રહ્યું છે

રિષભ પંત અને અક્ષર પટેલ

આવતા મહિને યોજાનારા IPL 2025ના મેગા ઑક્શન પહેલાં દરેક ટીમ સ્ટ્રૅટેજી ઘડવા લાગી ગઈ છે. અહેવાલો પ્રમાણે છેલ્લી કેટલીક સીઝનના પ્લે-ઑફમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ જનાર દિલ્હી કૅપિટલ્સ ટીમે પણ રિષભ પંતને સ્થાને નવા કૅપ્ટનને નિયુક્ત કરવા વિશે ગંભીરતાપૂર્વક વિચારણા શરૂ કરી દીધી છે. પંત ઑક્શન પહેલાં દિલ્હીના ટૉપ રીટેન્શન લિસ્ટમાં સામેલ હશે પણ તેને હવે કૅપ્ટન્સીની જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવશે. ટીમ-મૅનેજમેન્ટને લાગી રહ્યું છે કે પંત કપ્તાનીના દબાણમાંથી મુક્ત થઈને ઉમદા પર્ફોર્મ કરી શકશે. 

અહેવાલ પ્રમાણે દિલ્હી મૅનેજમેન્ટ પંતને સ્થાને ઑલરાઉન્ડર અક્ષર પટેલને જવાબદારી સોંપવા વિશે પણ વિચારણા કરી રહ્યું છે. આ ઉપરાંત ફ્રૅન્ચાઇઝી ઑક્શનમાં કૅપ્ટનની જવાબદારી યોગ્ય રીતે નિભાવી શકે એવા ખેલાડીઓ પર પણ નજર રાખશે. 

ઑક્શનમાં દિલ્હી ખાસ કરીને જો કોલકાતા નાઇટ રાઇડર્સ છૂટો કરશે તો શ્રેયસ ઐયરને મેળવવા પ્રાથમિકતા આપશે. ઐયરના નેતૃત્વમાં જ દિલ્હી ટીમે ૨૦૨૦માં ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો અને ગયા વર્ષે ઐયરની કૅપ્ટન્સીમાં કોલકાતા નાઇટ રાઇડર્સ ચૅમ્પિયન બની હતી. જોકે કોલકાતા તેના ચૅમ્પિયન કૅપ્ટનને રિલીઝ કરે એના ચાન્સિસ ખૂબ જ ઓછા છે. 

પંત ૨૦૧૬થી દિલ્હી ટીમ સાથે સંકળાયેલો છે અને ટીમ વતી સૌથી વધુ મૅચ રમનાર અને રન બનાવનાર ખેલાડી છે. ૨૦૨૧માં કૅપ્ટન શ્રેયસ ઐયર ઇન્જરીને લીધે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જતાં દિલ્હીએ પંતને જવાબદારી સોંપી હતી. પહેલી જ સીઝનમાં દિલ્હી પૉઇન્ટ્સ-ટેબલમાં ટૉપમાં રહ્યું હતું પણ બન્ને ક્વૉલિફાયરમાં હારતાં ફાઇનલ પ્રવેશ નહોતું કરી શક્યું. ૨૦૨૨માં દિલ્હી પાંચમા નંબરે રહ્યું હતું અને ૨૦૨૩માં ઍક્સિડન્ટને લીધે તે નહોતો રમી શક્યો. ૨૦૨૪માં તેણે ટીમમાં કમબૅક કર્યું હતું અને ટીમ વતી સૌથી વધુ રન બનાવ્યા હતા, પણ ટીમને પ્લે-ઑફમાં નહોતો પહોંચાડી શક્યો.

હેમાંગ બદાણી બન્યો દિલ્હીનો હેડ-કોચ

છેલ્લા ઘણા દિવસથી ચાલી રહેલી ચર્ચા પ્રમાણે જ દિલ્હીએ ગઈ કાલે ભૂતપૂર્વ ભારતીય ખેલાડી હેમાંગ બદાણીને દિલ્હી કૅપિટલ્સનો હેડ કોચ નિયુક્ત કર્યો હતો. સાત વર્ષ સુધી ટીમને કોચિંગ આપ્યા બાદ ઑસ્ટ્રેલિયન લેજન્ડ રિકી પૉન્ટિંગે ગઈ સીઝન બાદ ટીમનો સાથ છોડી દીધો છે. આગામી સીઝન માટે દિલ્હીએ જાહેર કરેલા કોચિંગ સ્ટાફમાં ટીમના ડાયરેક્ટર ઑફ ક્રિકેટ તરીકે અન્ય ભૂતપૂર્વ ખેલાડી વેણુગોપાલ રાવને સૌરવ ગાંગુલીના સ્થાને અપૉઇન્ટ કર્યો છે. સૌરવ ગાંગુલીને ટીમના જૉઇન્ટ ઓનર જિન્દલ ગ્રુપે તેમના ગ્રુપના ડિરેક્ટર ઑફ ક્રિકેટ તરીકે નિયુક્ત કર્યો છે. 
૪૭ વર્ષનો બદાણી ભારત વતી ચાર ટેસ્ટ અને ૪૦ વન-ડે રમ્યો છે. રિટાયરમેન્ટ બાદ તેણે વિવિધ લીગમાં કોચિંગમાં ઉમદા કામગીરી કરી છે. વેણુગોપાલ રાવ ભારત વતી ૧૬ વન-ડે રમ્યો છે. 

IPL 2025 delhi capitals Rishabh Pant axar patel shreyas iyer kolkata knight riders cricket news sports news sports indian premier league