22 March, 2025 07:16 AM IST | Kolkata | Gujarati Mid-day Online Correspondent
વિરાટ કોહલી (તસવીર: પીટીઆઇ)
ક્રિકેટ જગતની સૌથી પ્રખ્યાત ટુર્નામેન્ટ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025 (IPL 2025)ની પહેલી મૅચ 22 માર્ચે કોલકાતાના પ્રતિષ્ઠિત ઇડન ગાર્ડન્સ ખાતે યોજાવાની છે. આ પહેલી મૅચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) રોયલ ચેલેન્જર્સ બૅંગ્લોર (RCB) સાથે ટકરાશે. બન્ને ટીમોએ ખૂબ જ જોરદાર મુકાબલા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે, જેમાં RCB મેદાન પર પહોંચી ગઈ છે અને તેમના પ્રેક્ટિકસ કરવાના વીડિયો સામે આવ્યા છે.
કોલકાતામાં પ્રેક્ટિસ સેશન દરમિયાન RCB ના ભૂતપૂર્વ કૅપ્ટન વિરાટ કોહલીએ તેની એક અનોખી અને અદ્ધભૂત કુશળતા બતાવી હતી. RCB એ તેમના સત્તાવાર X એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કોહલી સરળતાથી તેના બેટનો ઉપયોગ કરીને બૉલને તેના પર બેલેન્સ કરી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો અને તેણે તરત જ ક્રિકેટ ફૅન્સનું ધ્યાન ખેંચ્યું.
વિરાટ કોહલીએ કહ્યું RCB ના કૅપ્ટન તરીકે રજત પાટીદારનું સમર્થન કરો
તાજેતરમાં બેંગલુરુમાં RCB અનબોક્સ ઇવેન્ટ દરમિયાન, વિરાટ કોહલીએ બેંગલુરુના ચિન્નસ્વામી સ્ટેડિયમમાં દર્શકોને વિનંતી કરી કે તેઓ નવનિયુક્ત કૅપ્ટન રજત પાટીદારને બીજા દરેક કૅપ્ટનની જેમ ટેકો આપે. ઈવેન્ટ દરમિયાન ચાહકો સાથે વાત કરતા વિરાટે કહ્યું, "આગામી ખેલાડી એવી વ્યક્તિ છે જે ટીમનું લાંબા સમય સુધી નેતૃત્વ કરશે. તેથી, તેને શક્ય તેટલો પ્રેમ આપો. તે એક અદ્ભુત પ્રતિભા અને એક મહાન ખેલાડી છે જેમ આપણે બધાએ જોયું છે. તેના ખભા પર એક મહાન માથું પણ છે અને તે શાનદાર કામ કરશે અને આ અદ્ભુત ફ્રેન્ચાઇઝીને આગળ લઈ જશે. તેની પાસે જે જરૂરી છે તે બધું છે."
પાટીદારે એમપીને સ્થાનિક ટી20 ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચાડ્યું હતું અને બૅટ સાથે પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું, તેણે નવ ઇનિંગ્સમાં 186.08 ના સ્ટ્રાઇક રેટથી 428 રન બનાવ્યા હતા. આરસીબી નવા કૅપ્ટન હેઠળ આઈપીએલ ટાઇટલના 18 વર્ષના દુકાળને સમાપ્ત કરવા માગે છે. ગયા વર્ષે આઈપીએલ મેગા ઓક્શન દરમિયાન, આરસીબીએ ભુવનેશ્વર કુમાર અને જૉશ હેઝલવુડનો સમાવેશ કરીને બૉલિંગ લાઇનઅપમાં સુધારો કર્યો. તેમની પાસે અન્ય સ્ટાર રસિક સલામ સાથે કૃણાલ પંડ્યા પણ છે. બેંગલુરુ ફ્રેન્ચાઇઝીએ ફિલ સોલ્ટ, લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા, ટિમ ડેવિડ અને જેકબ બેથેલના જેવા ખેલાડીઓનો ફાયરપાવર તરીકે ટીમમાં સમાવેશ કર્યો છે, જેથી આ વર્ષે એકપણ વખત ટ્રૉફી ન જીતેલી RCB ટીમ આ વખતે શું ઈતિહાસ રચશે કે નહીં? તેના પર દરેક આઇપીએલ ફૅન્સની નજર છે.
22 માર્ચથી શરૂ થનારી IPL 2025માં પહેલા આરસીબી અને કેકેઆર વચ્ચે મુકાબલો જામશે અને તે બાદ રવિવારે બે જોરદાર મુકાબલા બપોરે SRH અને RR તો સાંજે CSK અને MI વચ્ચે મૅચ રમાશે.