પાટલી બદલીને મોહમ્મદ સિરાજ છવાયો

04 April, 2025 08:53 AM IST  |  Chennai | Gujarati Mid-day Correspondent

બૅન્ગલોરમાં RCB માટે ૨૧ મૅચમાં એક વાર પ્લેયર આૅફ ધ મૅચ બન્યો હતો, GT માટે પહેલી જ મૅચમાં બન્યો

બૅન્ગલોર સામેની મૅચ બાદ પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ લેતો ગુજરાત ટાઇટન્સનો ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ.

ગુજરાત ટાઇટન્સ (GT)નો ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ બુધવારે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ૧૯ રનમાં ત્રણ વિકેટ લઈને પ્લેયર ઑફ ધ મૅચ (POTM) અવૉર્ડ જીત્યો હતો. પોતાના જૂના હોમ ગ્રાઉન્ડમાં આ તેનું શ્રેષ્ઠ પ્રદર્શન છે. તેણે જૂની ફ્રૅન્ચાઇઝી રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB) માટે આ મેદાન પર ૨૧ IPL મૅચ રમીને માત્ર ૨૦૨૪માં ગુજરાત સામેની મૅચમાં ૨૯ રનમાં બે વિકેટ લઈને પ્લેયર ઑફ ધ મૅચ અવૉર્ડ જીત્યો હતો, પણ ગુજરાત ટાઇટન્સ માટે તેણે આ મેદાન પર પહેલી જ મૅચમાં આ અવૉર્ડ જીત્યો છે.

ગુજરાતની ૮ વિકેટની જીત બાદ મોહમ્મદ સિરાજે કહ્યું હતું કે, ‘RCB સામે રમવાથી હું થોડો ભાવુક થઈ ગયો હતો, પરંતુ બૉલ હાથમાં આવ્યા પછી મેં સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કર્યું. મેં મારી ફિટનેસ પર કામ કર્યું અને બ્રેક દરમ્યાન મારી ભૂલો સુધારી. આશિષભાઈ (નેહરા) અને ઇશુભાઈ (ઇશાન્ત શર્મા)એ મને સારી રીતે માર્ગદર્શન આપ્યું જેનાથી મને મારી પ્રક્રિયા પર વિશ્વાસ કરવામાં મદદ મળી.’

44
એક સ્ટેડિયમમાં IPLની સૌથી વધુ આટલી મૅચ હારવાના દિલ્હી કૅપિટલ્સના રેકૉર્ડની બરાબરી કરી રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુએ.

183
આટલી વિકેટ લઈને બૅન્ગલોરના ભુવનેશ્વર કુમારે ફાસ્ટ બોલર તરીકે  સૌથી વધુ IPL વિકેટ લેવાના ડ્વેઇન બ્રાવોના રેકૉર્ડની બરાબરી કરી.

ગુજરાત ટાઇટન્સ માટે બે મૅચ રમ્યા બાદ કૅગિસો રબાડા અચાનક જતો રહ્યો

ગુજરાત ટાઇટન્સનો ૧૦.૭૫ કરોડ રૂપિયાનો ફાસ્ટ બોલર કૅગિસો રબાડા અચાનક સાઉથ આફ્રિકા પહોંચી ગયો છે. IPL 2025ની પહેલી બે મૅચમાં એક-એક વિકેટ લીધા બાદ તે રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ સામેની મૅચમાં ઉપલબ્ધ નહોતો. ગુજરાત ટાઇટન્સે એક નિવેદનમાં સ્પષ્ટ કર્યું કે છે ૨૯ વર્ષનો આ ફાસ્ટ બોલર અંગત કારણસર પાછો સ્વદેશ ગયો છે.  

indian premier league IPL 2025 gujarat titans royal challengers bangalore mohammed siraj cricket news sports news sports