31 March, 2025 07:14 AM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
ઋતુરાજ ગાયકવાડ
શુક્રવારે ચેપૉકના મેદાન પર ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) સામે રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB)એ ૧૭ વર્ષ બાદ પહેલી જીત નોંધાવી હતી. પહેલી વાર આ મેદાન પર ચેન્નઈની ટીમને કોઈ હરીફ ટીમે ૫૦ રનના માર્જિનથી હાર આપી હતી. રનની દૃષ્ટિએ છેલ્લે ૨૦૧૯માં મુંબઈ ઇન્ડિયન્સે આ મેદાન પર ચેન્નઈ સામે સૌથી મોટી ૪૬ રનથી જીત નોંધાવી હતી. ૫૦ પ્લસ રનની પાર્ટનરશિપ વગર આ મૅચમાં કુલ ૩૪૨ રન બન્યા હતા.
આ મૅચ દરમ્યાન ચેપૉકમાં પહેલી વાર શૂન્યના સ્કોર પર આઉટ થયેલા ચેન્નઈના કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડે આવી મોટી હાર છતાં મૅચ બાદ કહ્યું કે ‘અમારી બૅટિંગ એટલી સારી નહોતી. ખરાબ ફીલ્ડિંગે અમને નુકસાન પહોંચાડ્યું, પરંતુ હજી પણ ખુશ છું કે અમે મોટા માર્જિનથી હાર્યા નહીં, ફક્ત ૫૦ રનથી હાર્યા.’
IPLના ઇતિહાસમાં ચેપૉક ખાતે CSKનો સૌથી મોટો પરાજય
૨૦૨૫ - બૅન્ગલોર સામે ૫૦ રનથી હાર
૨૦૧૯ - મુંબઈ સામે ૪૬ રનથી હાર
૨૦૧૦ - ડેક્કન ચાર્જર્સ સામે ૩૧ રને હાર
૨૦૧૩ - પુણે સામે ૨૪ રનથી હાર
૨૦૦૮ - બૅન્ગલોર સામે ૧૪ રનથી હાર