17 May, 2025 09:41 AM IST | Kolkata | Gujarati Mid-day Correspondent
બૅન્ગલોરના મેન્ટર અને બૅટિંગ કોચ દિનેશ કાર્તિક સાથે પ્રૅક્ટિસ કરી રહેલો વિરાટ કોહલી. ટેસ્ટ-રિટાયરમેન્ટ બાદ પહેલી વાર મેદાન પર ઊતરનાર કોહલી માટે ફૅન્સ આપી શકે છે સ્પેશ્યલ ટ્રિબ્યુટ.
IPL 2025ની ૫૮મી મૅચ આજે રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB) અને કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) વચ્ચે રમાશે. ૧૮મી સીઝનની શરૂઆત ઈડન ગાર્ડન્સમાં આ બન્ને ટીમની ટક્કરથી જ થઈ હતી જેમાં બૅન્ગલોરે સાત વિકેટે જીત મેળવી હતી. ભારત-પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષ બાદ બન્ને ટીમ વચ્ચેની મૅચથી એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં વર્તમાન સીઝન રી-સ્ટાર્ટ થશે. એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બન્ને ટીમ વચ્ચે ૧૨ મૅચ રમાઈ છે જેમાંથી કલકત્તાએ આઠ અને બૅન્ગલોરે માત્ર ચાર મૅચ જીતી છે. ૨૦૧૬થી રમાયેલી છ મૅચમાં કલકત્તાએ હોમ ટીમ બૅન્ગલોરને માત આપી છે. છેલ્લે બૅન્ગલોરે મે ૨૦૧૫માં કલકત્તાને આ મેદાન પર માત આપી હતી.
કોલકાતા નાઇટ રાઇડર્સનો કૅપ્ટન અજિંક્ય રહાણે પ્રૅક્ટિસ-સેશન દરમ્યાન હળવા મૂડમાં જોવા મળ્યો
બન્ને ટીમ શાનદાર ફૉર્મમાં છે. બૅન્ગલોર (૧૬ પૉઇન્ટ) છેલ્લી ચારેય મૅચ જીત્યું છે, જ્યારે ડિફેન્ડિંગ ચૅમ્પિયન કલકત્તા (૧૧ પૉઇન્ટ ) સતત બે મૅચ જીત્યું છે. સીઝનના અણધાર્યા વિરામ વચ્ચે ટેસ્ટ-રિટાયરમેન્ટ લઈને સૌને ચોંકાવનાર બૅન્ગલોર ટીમના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી પર આજે સૌની નજર રહેશે. સોશ્યલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચાઓ પર નજર કરીએ તો રમતના પરંપરાગત ફૉર્મેટને સૌથી વધુ મહત્ત્વ આપનારા આ બૅટ્સમૅનનું સન્માન કરવા માટે ફૅન્સ સફેદ જર્સી પહેરવાનું આયોજન કરી રહ્યા છે.
હેડ ટુ હેડ રેકૉર્ડ
કુલ મૅચ - ૩૫, KKRની જીત - ૨૦, RCBની જીત - ૧૫
ભારત-પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષને કારણે IPL 2025ની બાકીની ૧૭ મૅચ માટે નવું શેડ્યુલ બનાવવું પડ્યું હતું, જેમાંથી ફાઇનલ સહિતની પ્લેઑફ્સની ચાર મૅચના વેન્યુ હજી નક્કી નથી થયા. ગઈ કાલે કલકત્તાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ બહાર એકઠા થયેલા ક્રિકેટ-ફૅન્સે પોસ્ટર્સ અને સૂત્રોચ્ચાર કરીને ફાઇનલ મૅચને ઈડન ગાર્ડન્સથી દૂર ન કરવાની માગણી કરી હતી. જૂના શેડ્યુલ અનુસાર ૧૮મી સીઝનની ઓપનિંગ અને ફાઇનલ મૅચ ઈડન ગાર્ડન્સમાં જ રમાવાની હતી.