આજે ૧૦ ટીમ ૨૩૭.૫૫ કરોડ રૂપિયાના બજેટથી પોતાના ૭૭ સ્લૉટ માટે પ્લેયર્સ પર બોલી લગાવશે

16 December, 2025 10:06 AM IST  |  Abu Dhabi | Gujarati Mid-day Correspondent

કોલકાતા નાઇટ રાઇડર્સ પાસે સૌથી વધુ ૧૩ સ્લૉટ ખાલી અને પર્સમાં ૬૪.૩૦ કરોડ રૂપિયા બાકી, ઑક્શનની રેસમાં ૩૫૦+ પ્લેયર્સ

ફાઇલ તસવીર

IPL 2026નું મિની ઑક્શન આજે UAEના અબુ ધાબીના ઇતિહાદ અરીનામાં યોજાશે. ૩૫૦ જેટલા પ્લેયર્સ વચ્ચે ઑક્શનની રેસ જામશે જેમાં ૧૦ ટીમો પોતાના ૭૭ ખાલી સ્લૉટ ભરવાનો પ્રયાસ કરશે. આ ૭૭ સ્લૉટમાંથી ૩૧ સ્લૉટ વિદેશી પ્લેયર્સ માટે છે. અહેવાલ અનુસાર પ્લેયર્સ લિસ્ટમાં ૯ પ્લેયર્સ ઉમેરાયા છે પણ BCCIએ હજી સુધી એની પુષ્ટિ નથી કરી.

ઑક્શનમાં કૅમરન ગ્રીન, લિયામ લિવિંગસ્ટન, સ્ટીવ સ્મિથ, વેન્કટેશ ઐયર અને રવિ બિશ્નોઈની બોલી પર સૌથી વધુ રસાકસી જોવા મળે એવું અનુમાન છે. ચેન્નઈમાં ૯, દિલ્હીમાં ૮, ગુજરાતમાં પાંચ, કલકત્તામાં ૧૩, લખનઉમાં ૬, મુંબઈમાં પાંચ, પંજાબમાં ચાર, બૅન્ગલોરમાં ૮, રાજસ્થાનમાં ૯ અને હૈદરાબાદમાં ૧૦ સ્લૉટ ખાલી છે. દરેક ટીમ પોતાની સ્ક્વૉડમાં ટોટલ ૨૫ સભ્યો પૂર્ણ કરવાનો પ્રયત્ન કરશે.

૧૦ ટીમ પાસે ટોટલ ૨૩૭.૫૫ કરોડ રૂપિયાનું બજેટ બાકી છે. ચેન્નઈ પાસે ૪૩.૪૦ કરોડ, દિલ્હી પાસે ૨૧.૮૦ કરોડ, ગુજરાત પાસે ૧૨.૯૦ કરોડ, કલકત્તા પાસે ૬૪.૩૦ કરોડ, લખનઉ પાસે ૨૨.૯૫ કરોડ, મુંબઈ પાસે ૨.૭૫ કરોડ, પંજાબ પાસે ૧૧.૫૦ કરોડ, બૅન્ગલોર પાસે ૧૬.૪૦ કરોડ, રાજસ્થાન પાસે ૧૬.૦૫ કરોડ અને હૈદરાબાદ પાસે ૨૫.૫૦ કરોડ રૂપિયાનું પર્સ બાકી છે.

વર્તમાન લિસ્ટ અનુસાર ૨૪૦ ભારતીય અને ૧૧૦ વિદેશી ખેલાડીઓ છે. લિસ્ટમાં ૨૨૪ અનકૅપ્ડ ભારતીય અને ૧૪ અનકૅપ્ડ વિદેશી ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ૪૦ પ્લેયર્સ બે કરોડ રૂપિયાની બેઝ-પ્રાઇસ ધરાવે છે. સૌથી વધુ ૨૨૭ પ્લેયર્સની બેઝ-પ્રાઇસ ૩૦ લાખ રૂપિયા છે.

આૅક્શનની ઍક્શનમાં ચમકશે પંજાબના સરપંચસાબ

શ્રેયસ ઐયર IPL મિની ઑક્શનમાં ભાગ લેવા UAEના અબુ ધાબીમાં પહોંચી ગયો છે. પંજાબ કિંગ્સે સરપંચસાબ તરીકે જાણીતા પોતાના કૅપ્ટનનો સ્પેશ્યલ વિડિયો અબુ ધાબીથી શૅર કર્યો હતો જે આજે આૅક્શન ટેબલ પર અન્ય સભ્યો સાથે ટીમનું પ્રતિનિધિત્વ કરશે. શ્રેયસ ઐયરને તેની મમ્મી અને ડૉગ આર્ચી મુંબઈ ઍરપોર્ટ પર છોડવા આવ્યાં હતાં જેનો ફોટો ૩૧ વર્ષના આ ક્રિકેટરે શૅર કર્યો હતો.

IPL 2026 indian premier league abu dhabi cricket news sports sports news delhi capitals gujarat titans chennai super kings kolkata knight riders lucknow super giants mumbai indians punjab kings rajasthan royals royal challengers bangalore sunrisers hyderabad