12 May, 2026 02:50 PM IST | Raipur | Gujarati Mid-day Correspondent
ફોર્થ અમ્પાયર સાથે ઉગ્ર ચર્ચા કરતો ઍન્ડી ફ્લાવર.
રાયપુરની મૅચમાં ચેન્નઈ સુપર કિંગ્સના મહેન્દ્ર સિંહ ધોનીના સૌથી વધુ ૨૭૮ મૅચ રમવાના IPL રેકૉર્ડની બરાબરી બૅન્ગલોરના વિરાટ કોહલી અને મુંબઈના રોહિત શર્માએ કરી હતી. રોહિત શર્માની આગેવાનીમાં મુંબઈની ટીમે ધોની અને વિરાટની ટીમો સામે દબદબો જાળવી રાખ્યો હતો. જોકે રોહિત શર્મા પાસેથી કૅપ્ટન્સી છીનવાઈ ગઈ એ પછી ચેન્નઈ અને બૅન્ગલોર મુંબઈની ટીમ પર ભારે પડી રહ્યાં છે. ઓગણીસમી સીઝનમાં મુંબઈ માટે પહેલી વખત એક શરમજનક ઘટના બની છે. એક સીઝનમાં મુંબઈને પહેલી વખત ચેન્નઈ અને બૅન્ગલોર સામેની તમામ મૅચમાં હાર મળી છે. આ સીઝનમાં મુંબઈને ચેન્નઈ સામે ૮ વિકેટે અને ૧૦૩ રનથી હાર મળી છે, જ્યારે બૅન્ગલોર સામે ૧૮ રનથી અને બે વિકેટે હાર મળી છે. ૨૦૨૦ સુધી બૅન્ગલોર સામે ૧૭ જીત અને ૧૦ હાર સાથે મુંબઈનો રેકૉર્ડ શાનદાર રહ્યો હતો. જોકે છેલ્લી ૯ મૅચમાંથી ૭ મૅચ જીતીને બૅન્ગલોરે મુંબઈ સામે પોતાની જીતનો આંકડો ૧૭ કરી દીધો છે. ૩૬ ટક્કરમાં મુંબઈએ બૅન્ગલોર સામે ૧૯ મૅચ જીતી છે. ચેન્નઈએ પણ છેલ્લી ૭ મૅચમાંથી ૬ મૅચ જીતીને મુંબઈ સામે ૪૧ મૅચમાં ૨૦ જીત મેળવીને પોતાનો રેકૉર્ડ સુધાર્યો છે. મુંબઈએ ચેન્નઈ સામે ૨૧ જીત મેળવી છે.
મુંબઈ ઇન્ડિયન્સ સતત છઠ્ઠી IPL સીઝનમાં ટ્રોફીથી દૂર રહીને ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું છે. ટીમના નબળા પ્રદર્શન વચ્ચે રેગ્યુલર કૅપ્ટન હાર્દિક પંડ્યાની સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઇન્સ્ટાગ્રામની કેટલીક હરકતોથી મોટી ચર્ચા શરૂ થઈ છે. તેણે મુંબઈ ઇન્ડિયન્સને લગતી આ સીઝનની તમામ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ હટાવીને મુંબઈ ઇન્ડિયન્સને અનફૉલો કર્યું હોવાનો સ્ક્રીનશૉટ વાઇરલ થયો હતો. મુંબઈ સાથે ફરી છેડો ફાડશે અને અનફૉલો કર્યો હોવાનો સ્ક્રીનશૉટ વાઇરલ થતાં હાર્દિક પંડ્યાએ ફરી મુંબઈ ઇન્ડિયન્સના અકાઉન્ટને ફૉલો કર્યું હતું. ફૉલો કરતા લોકોની સંખ્યા ૧૫૦થી ૧૫૧ થઈ એનો પણ સ્ક્રીનશૉટ પછીથી વાઇરલ થયો હતો. શું આ કોઈ ટેક્નિકલ ખામી હતી, આકસ્મિક ભૂલ હતી કે IPL 2026માં ખરાબ પ્રદર્શન બાદ હતાશાની અભિવ્યક્તિ?
ટીમ સાથે આ ઑલરાઉન્ડરના ભવિષ્ય અંગે થઈ રહેલી નકારાત્મક ચર્ચા વચ્ચે પણ હાર્દિક કે મુંબઈ મૅનેજમેન્ટ દ્વારા કોઈ ઑફિશ્યલ નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. મુંબઈની ટીમ હાર્દિકની આગેવાનીમાં ૨૦૨૪માં દસમા ક્રમે રહી હતી અને ૨૦૨૫માં ક્વૉલિફાયર-ટૂ મૅચ સુધી પહોંચી હતી. હવે ૨૦૨૬માં ટીમ ફરી તળિયાની ટીમોમાંથી એક બની છે.
હાર્દિક પંડ્યા બૅન્ગલોર સામેની મૅચ રમવા માટે છત્તીસગઢના રાયપુર પહોંચી ગયો હતો. જોકે રવિવારે સાંજની મૅચમાં તે મુંબઈની ટીમ સાથે મેદાન પર આવ્યો નહોતો અને તેના સ્થાને સૂર્યકુમાર યાદવે કૅપ્ટન્સી કરી હતી. હેડ કોચ માહેલા જયવર્દનેએ કહ્યું હતું કે ‘હાર્દિક પંડ્યાને પીઠમાં સમસ્યા છે અમે તેને સુધારવાનો પ્રયાસ કરી રહ્યા હતા. મેડિકલ ટીમ તેની સાથે કામ કરી હતી. છેલ્લા કેટલાક દિવસોમાં તે તાલીમ લઈ શક્યો નહોતો એટલે અમે તેને મેદાન પર ઉતારવા ઇચ્છતા નહોતા.’