24 April, 2026 09:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જેકબ બેથેલ
રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુનો બાવીસ વર્ષનો શાનદાર બૅટર જેકબ બેથેલ વર્તમાન સીઝનમાં એક પણ મૅચ રમ્યો નથી. છેલ્લી સીઝનમાં બૅન્ગલોર માટે ૨.૬૦ કરોડ રૂપિયામાં તે માત્ર બે મૅચ રમ્યો હતો જેમાં તેણે પંચાવન રનની એક ઇનિંગ્સ સાથે ૬૭ રન કર્યા હતા. જોકે વર્તમાન સીઝનમાં તેને બૅન્ગલોરના ડગઆઉટમાં નવરો જોઈને ઍલિસ્ટર કુકે મોટી કમેન્ટ કરી છે અને એના પર કેવિન પીટરસને પલટવાર પણ કર્યો છે.
ઇંગ્લૅન્ડનો ભૂતપૂર્વ કૅપ્ટન ઍલિસ્ટર કુક કહે છે, ‘આ એક આદર્શ પરિસ્થિતિ નથી. જેકબ બેથેલે ખરેખર આવું ન કરવું જોઈએ. તે ફક્ત બેન્ચ પર બેઠો છે અને કંઈ કરી રહ્યો નથી. આદર્શ પરિસ્થિતિ એ હશે કે તે ઇંગ્લૅન્ડ પાછો આવે અને કાઉન્ટી ક્રિકેટ રમે.’
ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ ધુરંધર બૅટર કેવિન પીટરસને આ સલાહને ફગાવીને કહ્યું કે ‘ઍલિસ્ટર કુકને બિલકુલ ખ્યાલ નથી કે IPLમાં રહેવું કેવું હોય છે. સતત વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીઓમાં રહેવાનું કેવું લાગે છે. આ મંતવ્યનું કોઈ મૂલ્ય નથી. હું જાણું છું કે જો તમે IPLમાં રમતા ન હો તો પણ તમે શીખી રહ્યા છો અને વધુ સારા ખેલાડી તરીકે ઊભરી આવશો. ‘
ઍલિસ્ટર કુક ક્યારેય ઇંગ્લૅન્ડની બહારની કોઈ T20 લીગમાં રમ્યો નથી. કેવિન પીટરસન IPLમાં ત્રણ ટીમો માટે ૩૬ મૅચ રમ્યો છે. તેની પાસે આ ટુર્નામેન્ટમાં કોચિંગ અને કૉમેન્ટરીનો પણ અનુભવ છે.