IPLના ત્રણ મહિના મારા માટે થકવી નાખનારા હોય છે, હું ધોનીને જોઈને દંગ રહી જાઉં છું : આર. અશ્વિન

30 August, 2025 10:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અશ્વિને વિદેશી લીગ માટે નોંધણીની પુષ્ટિ કરી છે પરંતુ તેણે કોઈ માહિતી આપી નથી

ફાઇલ તસવીર

ભારતના ભૂતપૂર્વ સ્પિનર રવિચન્દ્રન અશ્વિને હાલમાં IPLમાંથી રિટાયરમેન્ટ લઈને સૌને ચોંકાવી દીધા હતા. તેણે પહેલી વાર પોતાની યુટ્યુબ ચૅનલ પર આ સંદર્ભે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે ‘હું વિચારી રહ્યો હતો કે શું હું આવતા વર્ષે IPL રમી શકીશ? IPLના ત્રણ મહિના મારા માટે થોડા વધારે છે. એ થકવી નાખનારા હોય છે. આ એક કારણ છે કે હું એમ. એસ. ધોની જેવા પ્લેયર્સને જોઈને આશ્ચર્યચકિત થઈ જાઉં છું. જેમ તમારી ઉંમર વધે છે એમ IPLમાં રમવાનો સમય ઓછો થતો જાય છે.’

તેણે ખુલાસો કર્યો કે ‘હું ૧૦ મહિના સુધી વિશ્વમાં બધે રમીશ નહીં. દરેક ટીમની જરૂરિયાત કોઈ પણ હોય, હું એને પૂરી કરવાનો પ્રયાસ કરીશ અને એ લીગમાં રમીશ. મેં પહેલેથી જ એક લીગ માટે નોંધણી કરાવી છે. ચાલો જોઈએ એ કેવી રીતે આગળ વધે છે.’

અશ્વિને વિદેશી લીગ માટે નોંધણીની પુષ્ટિ કરી છે પરંતુ તેણે કોઈ માહિતી આપી નથી.

૩૮ વર્ષના અશ્વિને વધુમાં કહ્યું કે ‘હું મારું જીવન મારી પોતાની શરતો પર મારી પોતાની ખુશી માટે જીવવા માગું છું. હું કોઈને દુખી ન કરું અને થોડા લોકોને મદદ કરું એ મને ક્રિકેટના મેદાન પરની સિદ્ધિઓ જેટલી જ ખુશી આપે છે. ક્રિકેટ રમવું અને પરિવારની જરૂરિયાતોને સંતુલિત કરતી વખતે લોકોના જીવનને સ્પર્શવું એ હાલમાં સૌથી મોટો પડકાર છે.’ 

ravichandran ashwin mahendra singh dhoni ms dhoni indian premier league IPL 2026 chennai super kings sports sports news cricket news