IPLની ટીમો માટે રૂપિયાની ગજબની રેલમછેલ

25 March, 2026 07:11 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લિન્ક્ડઇન પ્રોફાઇલ અનુસાર ભારતીય મૂળનો કાલ સોમાણી અગાઉ રાજસ્થાન રૉયલ્સમાં નાનો હિસ્સો ધરાવતો હતો

કાલ સોમાણી, આર્યમન બિરલા

રાજસ્થાન રૉયલ્સની ડીલ ફાઇનલ થઈ ગઈ ૧૫,૩૦૦ કરોડ રૂપિયામાં 

૨૦૦૮માં ૩૨૦ કરોડ રૂપિયાની સૌથી સસ્તી ટીમ હતી આ, હવે અમેરિકાના કાલ સોમાણીના ગ્રુપે ૧.૬૩ બિલ્યન ડૉલર આપ્યા

IPL ફ્રૅન્ચાઇઝી રાજસ્થાન રૉયલ્સ અમેરિકાના બિઝનેસમૅન કાલ સોમાણીના નેતૃત્વ હેઠળનું ગ્રુપ ૧.૬૩ બિલ્યન ડૉલર એટલે કે આશરે ૧૫,૩૦૦ કરોડ રૂપિયામાં ખરીદવાની તૈયારીમાં છે. અહેવાલ અનુસાર ટીમનો ૧૦૦ ટકા હિસ્સો ખરીદવાની આ ડીલની ઑફિશ્યલ જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. ૨૦૨૬ સીઝન પછી તેઓ ઇમર્જિંગ મીડિયાના ઇંગ્લૅન્ડના બિઝનેસમૅન મનોજ બદાળે પાસેથી ટીમની માલિકી સંભાળશે એવી અપેક્ષા છે. ઇમર્જિંગ મીડિયા-ગ્રુપ અગાઉ આ ટીમમાં સૌથી વધુ ૬૫ ટકા હિસ્સો ધરાવતું હતું.

IPL 2008 પહેલાં ઇમર્જિંગ મીડિયા ગ્રુપે અગાઉ આ ટીમને ૬૭ મિલ્યન ડૉલર એટલે એ સમયના ૩૨૦ કરોડ રૂપિયામાં ખરીદી હતી. ટોટલ ૮ ટીમમાંથી રાજસ્થાન સૌથી સસ્તી ટીમ હતી. જોકે હવે આ ટીમ એક બિલ્યન ડૉલરથી વધુની કિંમતે વેચાનારી પહેલી IPL ટીમ બની છે. ૨૦૨૧માં RPSG ગ્રુપે લખનઉની ફ્રૅન્ચાઇઝી ૯૪૦ મિલ્યન ડૉલર એટલે કે લગભગ ૭૦૦૦ કરોડ રૂપિયામાં ખરીદી હતી.

લિન્ક્ડઇન પ્રોફાઇલ અનુસાર ભારતીય મૂળનો કાલ સોમાણી અગાઉ રાજસ્થાન રૉયલ્સમાં નાનો હિસ્સો ધરાવતો હતો. કાલ સોમાણી શિક્ષણથી લઈને રમતગમતના અનેક પ્રોજેક્ટમાં સામેલ છે. IntraEdge, Truyo.Ai અને Academian જેવી વૈશ્વિક કંપનીઓનો સ્થાપક છે. તે મોટર સિટી ગૉલ્ફ ક્લબનો સહ-માલિક પણ છે. તેણે જે ગ્રુપની આગેવાની કરીને રાજસ્થાન રૉયલ્સની ડીલ કરી છે એમાં વૉલમાર્ટ કંપની અને ફોર્ડ મોટર કંપનીની ફૅમિલીનો પણ સમાવેશ છે.

વર્ષમાં ફક્ત ત્રણ મહિના રમતી ટીમ માટે આ એક અદ્ભુત આંકડા છે : સૌરવ ગાંગુલી

ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન અને ક્રિકેટ બોર્ડના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ સૌરવ ગાંગુલીએ રાજસ્થાન રૉયલ્સની ડીલ પર મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તે કહે છે કે ‘વર્ષમાં ફક્ત ત્રણ મહિના રમતી ટીમ માટે આ એક અદ્ભુત આંકડા છે. IPL વધુ ઊંચાઈએ પહોંચશે. રમતનો વિસ્તાર થઈ રહ્યો છે. અમેરિકા સુધી ક્રિકેટનો જબરદસ્ત વિસ્તાર જોવો એ શાનદાર બાબત છે. આ આંકડા અદ્ભુત છે, પરંતુ ભારતીય ક્રિકેટ માટે હજી ઘણુંબધું આવવાનું બાકી છે અને હું એની રાહ જોઈ રહ્યો છું.’

RCBની મેન્સ અને વિમેન્સ ટીમ ૧૬,૭૦૬ કરોડ રૂપિયામાં વેચાઈ

આદિત્ય બિરલા ગ્રુપ, ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા ગ્રુપ સહિતની ચાર કંપનીઓએ સંયુક્ત રીતે ૧૦૦ ટકા હિસ્સો ખરીદી લીધો 

ડિફેન્ડિંગ ચૅમ્પિયન્સ રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB)ની મેન્સ અને વિમેન્સ ટીમને રેકૉર્ડબ્રેક કિંમતમાં હસ્તગત કરવામાં આવી છે. ૧.૭૮ બિલ્યન ડૉલર એટલે કે ૧૬,૭૦૬ કરોડ રૂપિયાની કિંમતે આદિત્ય બિરલા ગ્રુપ, ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા ગ્રુપ, બોલ્ટ વેન્ચર્સ અને બ્લૅકસ્ટોન સહિતની ચાર કંપનીઓએ સંયુક્ત રીતે આ ડીલ કરી છે.

ઇંગ્લૅન્ડની ડિયાજિયો PLCની પેટાકંપની યુનાઇટેડ સ્પિરિટ્સ લિમિટેડ પાસેથી IPL અને WPL બન્ને ટીમનો ૧૦૦ ટકા હિસ્સો ખરીદવામાં આવ્યો છે. IPL 2008 પહેલાં યુનાઇટેડ બ્રુઅવરીઝના અધ્યક્ષ તરીકે વિજય માલ્યાએ ૧૧૧.૬ મિલ્યન ડૉલર એટલે કે એ સમયના લગભગ ૪૪૬ કરોડ રૂપિયામાં ખરીદી હતી. હાલમાં બૅન્ગલોરની ટીમ IPLની સૌથી સારી બ્રૅન્ડ-વૅલ્યુ ધરાવે છે. ૨૦૨૩માં વિમેન્સ ટીમને ૯૦૧ કરોડ રૂપિયામાં ખરીદવામાં આવી હતી. IPL અને WPLની છેલ્લી સીઝનમાં RCB ટીમ વિજેતા બની છે.

નવા માલિકોની કંપની તરફથી એ વાત કન્ફર્મ થઈ છે કે આદિત્ય બિરલા ગ્રુપના ડિરેક્ટર આર્યમન વિક્રમ બિરલા ફ્રૅન્ચાઇઝીના ચૅરમૅન બનશે અને ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા ગ્રુપના સત્યન ગજવાણી વાઇસ ચૅરમૅન હશે.

sports news sports indian premier league indian cricket team cricket news rajasthan royals royal challengers bangalore IPL 2026