IPLમાં ચોથા ક્રમે રમીને પાવરપ્લેમાં ફિફ્ટી ફટકારનાર પહેલો બૅટર બન્યો સરફરાઝ

07 April, 2026 03:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

છેલ્લી બે સીઝનમાં અનસોલ્ડ રહેલા આ મુંબઈકરે ૭ વર્ષ બાદ IPL ફિફ્ટી ફટકારી

સરફરાઝ ખાન

રવિવારે રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ સામે ૨૫૧ રનનો ટાર્ગેટ ચેઝ કરતા સમયે ચેન્નઈ સુપર કિંગ્સે ૨.૫ ઓવરમાં ૩૦ રનના સ્કોર પર ૩ વિકેટ ગુમાવી દીધી હતી. ચોથા ક્રમે રમી મુંબઈકર બૅટર સરફરાઝ ખાને ૨૦૦ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને ટીમની ઇનિંગ્સને સ્થિરતા આપી હતી. જોકે ચેન્નઈ ૧૯.૪ ઓવરમાં ૨૦૭ રને ઑલઆઉટ થઈને ૪૩ રને હાર્યું હતું. ૨૮ વર્ષના સરફરાઝ ખાને પચીસ બૉલમાં ૮ ફોર અને બે સિક્સરની મદદથી ૫૦ રન કર્યા હતા. તે IPLમાં ચોથા કે એથી નીચેના ક્રમે રમીને પાવરપ્લેમાં ફિફ્ટી ફટકારનાર પહેલો બૅટર બન્યો હતો. અગાઉ મુંબઈ ઇન્ડિયન્સના તિલક વર્માએ આ ક્રમે રમીને ૨૦૨૩માં ગુજરાત ટાઇટન્સ સામે પાવરપ્લેમાં હાઇએસ્ટ ૪૩  રન કર્યા હતા. છેલ્લી બે સીઝનમાં સરફરાઝ ખાન અનસોલ્ડ રહ્યો હતો. તેણે પોતાની કમબૅક સીઝનમાં IPL ઇતિહાસની બીજી જ ફિફ્ટી ફટકારી છે. IPL 2019માં તેણે પંજાબ કિંગ્સ તરફથી રમીને પહેલી ફિફ્ટી નોંધાવી હતી. ૨૦૧૫થી ૪ ટીમ માટે ૯ સીઝન રમીને સરફરાઝ ખાન ૫૩  મૅચની ૪૦ ઇનિંગ્સમાં ૧૩૭.૬૨ના સ્ટ્રાઇક-રેટથી ૬૮૪ રન જ કરી શક્યો છે.

14: IPLની એક મૅચમાં હાઇએસ્ટ આટલા બૅટર્સે ઓછામાં ઓછી એક સિક્સર નોંધાવી.

9: ચેન્નઈના આટલા બૅટર્સે ઓછામાં ઓછી એક સિક્સર ફટકારી. T20 ક્રિકેટની એક ઇનિંગ્સમાં આટલા બૅટર્સની સિક્સર એ પહેલી ઘટના છે. 

IPL 2026 sarfaraz khan chennai super kings royal challengers bangalore cricket news sports news sports