સ્પેશ્યલ પ્રૅક્ટિસ જર્સી, કાળી પટ્ટી, એક મિનિટના મૌન સાથે દિવંગત ફૅન્સને શ્રદ્ધાંજલિ

29 March, 2026 02:45 PM IST  |  Bengaluru | Gujarati Mid-day Correspondent

૧૧ ખાલી સીટ, સ્મારક-તકતી સ્થાપિત કર્યા બાદ સ્ટેડિયમમાં ઓપનિંગ સેરેમની પણ ન યોજાઈ

સ્પેશ્યલ પ્રૅક્ટિસ જર્સી, કાળી પટ્ટી, એક મિનિટના મૌન સાથે દિવંગત ફૅન્સને શ્રદ્ધાંજલિ

ગઈ કાલે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ૧૧ દિવંગત ફૅન્સની યાદમાં ઓપનિંગ સેરેમની વગર IPL 2026ની શરૂઆત થઈ હતી. ગયા વર્ષે જીતની ઉજવણી દરમ્યાનની નાસભાગમાં જીવ ગુમાવનાર ૧૧ ફૅન્સ માટે સ્મારક-તકતી અને ૧૧ ખાલી સીટ કર્ણાટક સ્ટેટ અસોસિએશને બે દિવસ પહેલાંથી જ સેટ કરી દીધી હતી. મૅચ દરમ્યાન એના પર પુષ્પો જોવા મળ્યાં હતાં.

ગઈ કાલે રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુના પ્લેયર્સે મૅચ પહેલાં ૧૧ નંબરની જર્સી પહેરીને પ્રૅક્ટિસ કરીને અને મૅચ દરમ્યાન કાળી પટ્ટી બાંધીને ૧૧ દિવંગત ફૅન્સને યાદ કર્યા હતા. રાષ્ટ્રગાન પહેલાં બાઉન્ડરી બહાર ઊભા રહીને બન્ને ટીમ, અધિકારીઓ અને દર્શકોએ ૧૧ દિવંગત ફૅન્સને શ્રદ્ધાંજલિ આપવા એક મિનિટનું મૌન પણ પાળ્યું હતું. મૅચ પહેલાં સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ પેસ બોલર ડેલ સ્ટેને ટીમ ઇન્ડિયાની જૂની જર્સી પર વિરાટ કોહલીના ઑટોગ્રાફ પણ લીધા હતા.

સ્ટેન્ડ્સમાં વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા ભારતીય મહિલા પ્લેયર્સ સ્મૃતિ માન્ધના, શ્રેયન્કા પાટીલ અને જેમિમા રૉડ્રિગ્સ સાથે મૅચનો આનંદ માણતી જોવા મળી હતી. સનરાઇઝર્સ હૈદરાબાદની માલિકણ કાવ્યા મારને પણ મેદાનના સૌથી નજીકના સ્ટૅન્ડમાં બેસીને મૅચ નિહાળી હતી.

royal challengers bangalore sunrisers hyderabad IPL 2026 m chinnaswamy stadium bengaluru cricket news sports news sports