બૅન્ગલોરની ધમાકેદાર શરૂઆત: હૈદરાબાદે આપ્યો હતો ૨૦૨ રનનો ટાર્ગેટ, ૨૬ બૉલ બાકી રાખીને આંબી લીધો

29 March, 2026 02:28 PM IST  |  Bengaluru | Gujarati Mid-day Correspondent

બૅન્ગલોરે ૨૦૨ રનનો ટાર્ગેટ વિરાટની ૬૯ રન અને દેવદત્ત પડિક્કલની ૬૧ રનની ઇનિંગ્સના આધારે ચેઝ કર્યો, ઈશાન કિશનની ૮૦ રનની ધમાકેદાર ઇનિંગ્સ એળે ગઈ. IPLના ઇતિહાસમાં ૨૦૦થી વધુ રનનો ટાર્ગેટ સૌથી ઝડપથી ચેઝ કરવાનો રેકૉર્ડ નોંધાવ્યો RCBએ.

ગઈ કાલે જેકબ ડફી બાવીસ રનમાં ત્રણ વિકેટ લઈને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ જીત્યો હતો.

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૧૯મી સીઝનમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુએ ૬ વિકેટે વિજયી શરૂઆત કરી છે. ઈશાન કિશનની ૮૦ રનની ધમાકેદાર ઇનિંગ્સના આધારે સનરાઇઝર્સ હૈદરાબાદે ૨૦૧-૯નો સ્કોર કર્યો હતો. જવાબમાં બૅન્ગલોરે દેવદત્ત પડિક્કલ અને વિરાટ કોહલીની ફિફટીના આધારે ૧૫.૪ ઓવરમાં ફાસ્ટેસ્ટ ૨૦૦ પ્લસનો ટાર્ગેટ-ચેઝ કર્યો હતો. બૅન્ગલોરે ૪ વિકેટે ૨૦૩ રન કરીને ૨૦૨ રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. બૅન્ગલોર અગાઉ હૈદરાબાદ સામે તમામ છ વખત ૧૯૦ પ્લસનો ટાર્ગેટ ચેઝ કરી શક્યું નહોતું.

ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરનાર હૈદરાબાદના ઓપનર્સ સારી શરૂઆત અપાવી શક્યા નહોતા. અભિષેક શર્મા ૮ બૉલમાં ૭ રન અને ટ્રૅવિસ હૅડ ૯ બૉલમાં ૧૧ રન જ કરી શક્યા હતા. ચોથા ક્રમે રમવા ઊતરેલો નીતીશ કુમાર રેડ્ડી ૬ બૉલમાં ૧ રન કરીને ફ્લૉપ રહ્યો હતો. ઈશાન કિશને ત્રીજા ક્રમે ૨૧૦.૫૩ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને મજબૂત સ્કોરનો પાયો નાખ્યો હતો. તેણે ૮ ફોર અને પાંચ સિક્સની મદદથી ૩૮ બૉલમાં ૮૦ રન ઝૂડી કાઢ્યા હતા.

80: સનરાઇઝર્સ હૈદરાબાદ માટે કૅપ્ટન્સી ડેબ્યુ પર સૌથી મોટી ઇનિંગ્સ રમનાર પ્લેયર બન્યો ઈશાન કિશન. 

3000: આટલા IPL રન કરનાર ૨૯મો પ્લેયર બન્યો ઈશાન કિશન. 

4000: આ ટુર્નામેન્ટમાં રનચેઝ દરમ્યાન આટલા રન કરનાર પહેલો બૅટર બન્યો વિરાટ કોહલી. 

304: આટલી હાઇએસ્ટ T20 વિકેટ બાદ IPL ડેબ્યુ કરનાર બોલર બન્યો ડેવિડ પેન. આદિલ રશિદ (૨૩૨ વિકેટ)નો રેકૉર્ડ તોડ્યો. 


ઈશાન કિશનના બનાવેલા ૩૮ બૉલમાં ૮૦ રન પર પાણી ફરી વળ્યું.

પાંચમા ક્રમે ઊતરીને હૅન્રિક ક્લાસેને ૨૨ બૉલમાં બે ફોર અને એક સિક્સના આધારે ૩૧ રન બનાવ્યા હતા. સાતમા ક્રમના બૅટર અનિકેત વર્માએ ૨૩૮.૮૯ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને બૅન્ગલોર માટે ૨૦૦ પ્લસ રન સુધીની રાહ સરળ બનાવી હતી. ૧૮ બૉલમાં તેણે ૩ ફોર અને ૪  સિક્સ ફટકારીને ૪૩ રન ફટકાર્યા હતા.

ફિલ સૉલ્ટ અને દેવદત્ત પડિક્કલે ફીલ્ડિંગ દરમ્યાન ત્રણ-ત્રણ શાનદાર કૅચ પકડ્યા હતા. IPL ડેબ્યુ કરનાર ન્યુ ઝીલૅન્ડના ફાસ્ટ બોલર જેકબ ડફીએ ૪ ઓવરમાં બાવીસ રન આપીને ત્રણ મહત્ત્વપૂર્ણ ટૉપ-ઑર્ડર બૅટર્સની વિકેટ લીધી હતી. રોમારિયો શેફર્ડે પણ ત્રણ વિકેટ લીધી, પરંતુ ૪ ઓવરમાં ૫૪ રન આપીને ખર્ચાળ સાબિત થયો હતો. ભુવનેશ્વર કુમાર સહિતના ત્રણ બોલર્સે એક-એક વિકેટ લીધી હતી.

૧૮ વર્ષ બાદ એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ સીઝનની ઓપનિંગ મૅચ 

રન-ચેઝ દરમ્યાન બીજી જ ઓવરમાં ફિલ સૉલ્ટે ૭ બૉલમાં ૮ રન કરીને વિકેટ ગુમાવી દીધી હતી. ત્રીજા ક્રમે ઇમ્પેક્ટ પ્લેયર તરીકે રમનાર દેવદત્ત પડિક્કલે ૨૧ બૉલમાં ફિફ્ટી ફટકારીને ઇનિંગ્સ સંભાળી લીધી હતી. તેણે ૨૩૪.૬૨ના સ્ટ્રાઇક-રેટથી ૨૬ બૉલમાં ૭ ફોર અને ૪ સિક્સની મદદથી ૬૧ રન ફટકાર્યા હતા. ચોથા ક્રમે આવીને કૅપ્ટન રજત પાટીદારે ૨૫૮.૩૩ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરી હતી. તેણે બે ફોર અને ૩ સિક્સના આધારે ૧૨ બૉલમાં ૩૧ રન કર્યા હતા.

વિરાટ કોહલીએ ૩૮ બૉલમાં પાંચ ફોર અને પાંચ સિક્સના આધારે અણનમ ૬૯ રન કર્યા હતા. ૧૮૧.૫૮ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને ટુર્નામેન્ટમાં ૬૪મી ફિફ્ટી ફટકારીને તે અંત સુધી ટકી રહ્યો હતો.


વિરાટ કોહલીએ ૩૮ બૉલમાં ૬૯ રન કર્યા હતા.

ઓપનિંગ મૅચના આ રેકૉર્ડ જાણી લો

હૈદરાબાદના ઇમ્પૅક્ટ પ્લેયર પેસ બોલર ડેવિડ પેને ૩ ઓવરમાં ૩૫ રન આપીને બે વિકેટ લીધી હતી. જયદેવ ઉનડક્ટ અને હર્ષ દુબેએ ૧-૧ વિકેટ લીધી હતી. હૈદરાબાદના બોલિંગ યુનિટે ૭ વાઇડ બૉલ સાથે ૧૮ રન એકસ્ટ્રા તરીકે આપી દીધા હતા.

IPL 2026 royal challengers bangalore sunrisers hyderabad indian premier league virat kohli devdutt padikkal ishan kishan rajat patidar abhishek sharma travis head