28 August, 2026 10:32 AM IST | London | Gujarati Mid-day Correspondent
સ્ટુઅર્ટ બ્રૉડ અને જેમ્સ ઍન્ડરસન
પાકિસ્તાન અને ઇંગ્લૅન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ-મૅચ પહેલાં ઇંગ્લૅન્ડના બે ટૉપ બોલર્સના શાનદાર પેઇન્ટિંગનું અનાવરણ કરવામાં આવ્યું હતું. લૉર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડના લૉન્ગ રૂમમાં સ્ટુઅર્ટ બ્રૉડ અને જેમ્સ ઍન્ડરસને એકસાથે પોતાના પેઇન્ટિંગ પરથી પરદો હટાવ્યો હતો. જેમ્સ ઍન્ડરસન અને સ્ટુઅર્ટ બ્રૉડ ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ઇંગ્લૅન્ડ માટે સૌથી વધુ વિકેટ લેનાર ટૉપ ટૂ બોલર્સ છે. જેમ્સ ઍન્ડરસને ૨૦૨૪ સુધી ૪૦૧ મૅચોમાં ૯૯૧ વિકેટ લીધી છે. તે ૪૪ વર્ષની ઉંમરે હજી પણ ડોમેસ્ટિક ક્રિકેટ રમી રહ્યો છે. સ્ટુઅર્ટ બ્રૉડે ૨૦૨૩ સુધી ૩૪૪ મૅચોમાં ૮૪૭ વિકેટ લીધી હતી. ૪૦ વર્ષનો સ્ટુઅર્ટ બ્રૉડ હવે કૉમેન્ટેટર છે.
લૉર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડનો લૉન્ગ રૂમ એ જગ્યા છે જ્યાં ક્લબના સભ્યો બેસીને મૅચો નિહાળે છે. ડ્રેસિંગ રૂમમાંથી નીકળતો દરેક ક્રિકેટર આ જ લૉન્ગ રૂમમાંથી પસાર થઈને મેદાન પર ઊતરે છે. આ લૉન્ગ રૂમમાં સચિન તેન્ડુલકર સહિત અનેક ક્રિકેટર્સનાં પોર્ટ્રેટ દીવાલોની શોભા વધારી રહ્યાં છે.