06 November, 2025 10:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જેમિમા રૉડ્રિગ્સ, સુનીલ ગાવસકર
ફાઇનલ પહેલાં લેજન્ડ ક્રિકેટર સુનીલ ગાવસકરે જાહેર કર્યું હતું કે જો ભારતીય ટીમ વર્લ્ડ કપ જીતશે તો હું જેમિમા રૉડ્રિગ્સ સાથે ગીત ગાઈને સેલિબ્રેશન કરીશ. ટીમ ઇન્ડિયા સાઉથ આફ્રિકાને હરાવીને ચૅમ્પિયન બની ગઈ છે ત્યારે ગઈ કાલે જેમિમાએ સોશ્યલ મીડિયામાં એક વિડિયો શૅર કરીને ગાવસકરને એ વાતની યાદ અપાવી હતી.
થોડાં વર્ષો પહેલાં એક કાર્યક્રમમાં ગાવસકરે જેમિમા સાથે એક ગીત ગાયું હતું અને તેમને એ ખૂબ ગમ્યું હતું એથી તેમણે કહ્યું હતું કે જો જેમિમાને મારા જેવા વૃદ્ધ માણસ સાથે પર્ફોર્મ કરવામાં વાંધો ન હોય તો હું ફરી એવું કરવા તૈયાર છું.
જેમિમાએ ગાવસકરને એ યાદ અપાવતાં તેના વિડિયોમાં કહ્યું હતું કે ‘નમસ્તે સુનીલ ગાવસકર સર, મેં તમારો મેસેજ જોયો અને તમે કહ્યું હતું કે જો ભારત વર્લ્ડ કપ જીતશે તો આપણે સાથે ગાઈશું. એટલે હું મારા ગિટાર સાથે તૈયાર છું. મને આશા છે કે તમે તમારા માઇક સાથે તૈયાર હશો. ખૂબ ખૂબ પ્રેમ સાહેબ. દરેક વાત માટે ખૂબ ખૂબ આભાર.’