03 December, 2025 01:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જેમિમા રૉડ્રિગ્સ
એક મહિના પહેલાં નવી મુંબઈમાં વર્લ્ડ કપ જીતનાર સ્ટાર બૅટર જેમિમા રૉડ્રિગ્સે સેમી ફાઇનલ મૅચ બાદની રસપ્રદ ઘટનાનો ખુલાસો કર્યો છે. સેમી ફાઇનલ મૅચમાં ઑસ્ટ્રેલિયા સામે શાનદાર સદી ફટકારનાર જેમિમાએ કહ્યું હતું કે ‘સેમી ફાઇનલ મૅચ બાદ મારા ફોન પર ખૂબ જ રિંગ વાગી રહી હતી. મને દરેક જગ્યાએથી ફોન આવી રહ્યા હતા. મને ખબર નથી કે અજાણ્યા લોકોએ મારો નંબર કેવી રીતે મેળવ્યો. હું અતિશયોક્તિ નથી કરી રહી, પરંતુ મને ૧૦૦૦+ વૉટ્સઍપ મેસેજ મળ્યા હતા.’
જેમિમાએ વધુમાં કહ્યું હતું કે ‘હું એ મેસેજ જોઈ શકી નહોતી. એ સમયે મારી અંદર ઘણાં ઇમોશન હતાં, પરંતુ ફાઇનલ મૅચની તૈયારી કરવાની હતી. મારા માટે બધું સંભાળવું મુશ્કેલ બન્યું એથી મેં વૉટ્સઍપ અનઇન્સ્ટૉલ કર્યું. મેં મારા નજીકના મિત્રો જેમ કે ૪-૫ લોકોને મેસેજ કર્યા કે કાં તો મને ફોન કરો અથવા આપણે નૉર્મલ મેસેજ-ઍપ પર વાત કરીશું. ફોનમાં વારંવાર મેસેજ નોટિફિકેશનની રિંગ વાગી રહી હતી અને મને ખબર હતી કે લોકો મને મેસેજ કરી રહ્યા છે. જોકે હું ફક્ત ફાઇનલ માટે તૈયારી કરવા માગતી હતી. એથી ફાઇનલ સુધી હું સોશ્યલ મીડિયાથી પણ દૂર રહી હતી.’