29 July, 2026 03:57 PM IST | Karachi | Gujarati Mid-day Correspondent
જસ્ટિન ગ્રીવ્સ
વેસ્ટ ઇન્ડીઝના ૩૨ વર્ષના ફાસ્ટ બોલિંગ ઑલરાઉન્ડર જસ્ટિન ગ્રીવ્સે ટેસ્ટ-ક્રિકેટમાં ઇતિહાસ રચ્યો છે. સતત પાંચ વિકેટ-મેઇડન ઓવર ફેંકનાર ગ્રીવ્સ પ્રથમ બોલર બન્યો છે. તેણે ત્રિનિદાદમાં પાકિસ્તાન સામેની પ્રથમ ટેસ્ટ-મૅચના ત્રીજા દિવસની રમત દરમ્યાન આ સિદ્ધિ હાંસલ કરી હતી.
વેસ્ટ ઇન્ડીઝના ૩૧૧ રનના સ્કોર સામે પાકિસ્તાને પહેલી ઇનિંગ્સમાં ૮૦.૧ ઓવરની રમત દરમ્યાન ૨૮૨ રનમાં તમામ વિકેટ ગુમાવી દીધી હતી. જસ્ટિન ગ્રીવ્સે પોતાના સ્પેલની પહેલી ૬ ઓવરમાં એક મેઇડન ફેંકી હતી અને ૨૭ રન આપીને વિકેટલેસ રહ્યો હતો. જોકે બાકીની પાંચેય ઓવરમાં એક પણ રન આપ્યા વગર તેણે દરેક ઓવરમાં એક-એક વિકેટ લીધી હતી.
ગ્રીવ્સે અનુક્રમે ૬૪મી ઓવરમાં શાન મસૂદની, ૬૬મી ઓવરમાં આમેર જમાલની, ૬૮મી ઓવરમાં અલી ઉસ્માનની, ૭૦મી ઓવરમાં મોહમ્મદ રિઝવાનની અને ૭૨મી ઓવરમાં મોહમ્મદ અબ્બાસની વિકેટ લીધી હતી.