22 October, 2025 11:51 AM IST | Rawalpindi | Gujarati Mid-day Correspondent
ભારતીય મૂળના સાઉથ આફ્રિકન સ્પિનર કેશવ મહારાજે ૧૦૨ રન આપીને ૭ વિકેટ લીધી હતી.
રાવલપિંડી ટેસ્ટ-મૅચના બીજા દિવસે ભારતીય મૂળના સ્પિનર કેશવ મહારાજના તરખાટ વચ્ચે પાકિસ્તાન પહેલી ઇનિંગ્સમાં ૧૧૩.૪ ઓવરમાં ૩૩૩ રન કરીને સમેટાઈ ગયું હતું. સાઉથ આફ્રિકાએ દિવસના અંતે ત્રીજી વિકેટની સદીની ભાગીદારીના આધારે ૬૫ ઓવરમાં ૪ વિકેટ ગુમાવીને ૧૮૫ રન કર્યા હતા.
પાકિસ્તાને ૯૨મી ઓવરમાં પાંચ વિકેટે ૨૫૯ રનના સન્માનજનક સ્કોરથી ઇનિંગ્સની શરૂઆત કરી હતી, પરંતુ છેલ્લા ૧૭ રનમાં કેશવ મહારાજની બોલિંગ સામે છેલ્લા પાંચ બૅટર્સ ઢેર થઈ ગયા હતા. ભારતીય મૂળના સ્પિનર કેશવ મહારાજે આ ઇનિંગ્સમાં ૪૨.૪ ઓવરની બોલિંગમાં ૧૦૨ રન આપીને ૭ વિકેટ લીધી હતી.
મહેમાન ટીમ તરફથી ટ્રિસ્ટન સ્ટબ્સ અને ટોની ડી ઝોર્ઝીએ ત્રીજી વિકેટ માટે ૨૨૩ બૉલમાં ૧૧૩ રનની ભાગીદારી કરીને ઇનિંગ્સ સંભાળી હતી. ટોનીએ એક ફોર અને બે સિક્સરના આધારે ૯૩ બૉલમાં પંચાવન રન કર્યા હતા, જ્યારે સ્ટબ્સ ૬ ફોર અને એક સિક્સરની મદદથી ૧૮૪ બૉલમાં ૬૮ રન કરીને અણનમ છે. પાકિસ્તાન માટે પહેલી મૅચ રમી રહેલા ૩૮ વર્ષના સ્પિનર આસિફ આફ્રિદીએ ૧૫ ઓવરમાં ૨૪ રન આપીને બે મહત્ત્વપૂર્ણ વિકેટ લીધી હતી.