કોહલીને ‘છેલ્લી’ કૅપ્ટન્સીમાં મેન્ટર ધોનીની મદદથી ‘પહેલી’ મોટી ટ્રોફી જીતવી જ છે

23 October, 2021 02:42 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મૉન્ટી પનેસરે કહ્યું, ‘માહીને પાછો ટીમ સાથે જોડવાનું કામ વિરાટનું જ છે’

૨૦૦૭માં સૌપ્રથમ ટી૨૦ વર્લ્ડ કપની ટ્રોફી સાથે લાંબા વાળવાળો ધોની (ડાબે) હવે મેન્ટર તરીકે (જમણે) ટીમ ઇન્ડિયા સાથે જોડાયો છે.

ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ સ્પિનર અને ભારતીય મૂળના ખેલાડી મૉન્ટી પનેસરનું માનવું છે કે ‘ભારતીય ક્રિકેટના લેજન્ડ મહેન્દ્ર સિંહ ધોનીને ટીમ ઇન્ડિયામાં ‘પાછો’ લાવવામાં કૅપ્ટન વિરાટ કોહલીએ જ મુખ્ય ભૂમિકા ભજવી છે. કોહલી હજી સુધી કૅપ્ટન તરીકે આઇસીસીની એક પણ મોટી ટ્રોફી જીત્યો નથી એટલે આ વખતે પોતાના સુકાનમાં ટી૨૦ વર્લ્ડ કપની ટ્રોફી કેમેય કરીને જીતવા માગતો હોવાથી તેણે જ ધોનીને મેન્ટર બનાવવાની ક્રિકેટ બોર્ડને વિનંતી કરી હશે.
કોહલી આજે શરૂ થઈ રહેલા ટી૨૦ વર્લ્ડ કપના સુપર-12 રાઉન્ડના અંતે (ફાઇનલ રમાયા બાદ) ભારતની ટી૨૦ ટીમની કૅપ્ટન્સીને ગુડબાય કરવાનો છે અને એટલે જ તે ટ્રોફી જીતીને માથું ઊંચું રાખીને સુકાન છોડવા માગતો હશે. પનેસરે એક મુલાકાતમાં કહ્યું કે ‘કોહલીએ ક્રિકેટ બોર્ડના મોવડીઓને કહ્યું હશે કે હું ધોની પાસેથી ઘણું શીખ્યો છું અને હવે તેના જ માર્ગદર્શનમાં મોટી ટ્રોફી જીતીને ટી૨૦ ટીમની કૅપ્ટન્સી છોડવા માગું છું અને આ ટુર્નામેન્ટને યાદગાર બનાવવા માગું છું એટલે તમે ધોનીને મેન્ટર બનાવો તો સારું.’
‘કૅપ્ટન કૂલ’ તરીકે જાણીતો ધોની હવે ‘મેન્ટર કૂલ’ બનશે. તેની હાજરી ખુદ કૅપ્ટન વિરાટ કોહલી ઉપરાંત ટીમના યુવાન ખેલાડીઓને પણ ખૂબ પ્રોત્સાહિત કરશે.

14
આટલાં વર્ષ પહેલાં (૨૦૦૭માં) ભારત ધોનીની કૅપ્ટન્સીમાં ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને સૌપ્રથમ ટી૨૦ વર્લ્ડ કપની ટ્રોફી જીત્યું હતું.

3
ધોની એકમાત્ર કૅપ્ટન છે જે આટલી આઇસીસીની મોટી ટ્રોફી જીત્યો છે.

cricket news sports news sports ms dhoni mahendra singh dhoni virat kohli