12 March, 2026 11:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઘાટકોપર જોલી જિમખાનાની ક્રિકેટ તથા મલ્ટિ-ટર્ફ સબ-કમિટીના ઇન્ચાર્જ નિશીથ ગોળવાલા તેમ જ લેડીઝ ક્રિકેટ સબ-કમિટી અને મલ્ટિ-ટર્ફ સબ-કમિટીના મેમ્બરો સાથે ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહેલી ૧૬ ટીમોની કૅપ્ટનો.
ઘાટકોપર જૉલી જિમખાના દ્વારા મહિલાઓમાં રમતગમત પ્રત્યે ઉત્સાહ અને પ્રોત્સાહન વધારવા માટે મહિલા દિનના નિમિત્ત પર લેડીઝ ટર્ફ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જિમખાનાના ચૅરમૅન રજનીકાંત શાહ, કારોબારી ટ્રસ્ટી મનોજ અજમેરા, સેક્રેટરી મુકેશ બદાણી, પરેશ શાહ તેમ જ સમગ્ર ટ્રસ્ટીગણ અને કારોબારી સમિતિના સભ્યો હંમેશાં રમતગમતના ક્ષેત્રમાં મહિલાઓને પ્રોત્સાહન આપવા માટે સક્રિય રહેતા આવ્યા છે.
રવિવારે, ૧૫ માર્ચે સવારે ૮ વાગ્યાથી આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન ક્રિકેટ તથા મલ્ટિ-ટર્ફ સબ-કમિટીના ઇન્ચાર્જ નિશીથ ગોળવાલાના માર્ગદર્શન હેઠળ લેડીઝ ક્રિકેટ સબ-કમિટી અને મલ્ટિ-ટર્ફ સબ-કમિટી દ્વારા કરવામાં આવી રહ્યું છે.
આ ટુર્નામેન્ટમાં ઘાટકોપર અને ચેમ્બુર વિસ્તારની કુલ ૧૬ ટીમો ભાગ લેશે. આ ટીમોને ૪ વિભાગમાં વહેંચીને કુલ ૨૩ મૅચ રમાડવામાં આવશે, જેને કારણે સમગ્ર દિવસ દરમ્યાન ઉત્સાહભર્યું ક્રિકેટ વાતાવરણ સર્જાશે.
ટુર્નામેન્ટમાં વિજેતા અને ઉપવિજેતા ટીમોને ટ્રોફી તથા કૅશ પ્રાઇઝ આપવામાં આવશે. ઉપરાંત તમામ ખેલાડીઓને આકર્ષક ભેટો પણ આપવામાં આવશે. સમગ્ર દિવસ દરમ્યાન ખેલાડીઓ માટે ખાવા-પીવાની વ્યવસ્થા તેમ જ ટુર્નામેન્ટનો સમગ્ર ખર્ચ ઘાટકોપર જૉલી જિમખાના દ્વારા કરવામાં આવશે.
આ આયોજન દ્વારા મહિલાઓમાં રમતગમત પ્રત્યે રસ વધે અને તેઓ વધુ સક્રિય રીતે રમતગમતમાં જોડાય એવો જિમખાના તરફથી સકારાત્મક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.