27 August, 2025 06:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મનોજ તિવારી
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મનોજ તિવારીએ વિરાટ કોહલીના ટેસ્ટ-રિટાયરમેન્ટ વિશે મોટો દાવો કર્યો છે. તેણે કહ્યું કે ‘વિરાટ ઓછામાં ઓછાં ત્રણ-ચાર વર્ષ વધુ સરળતાથી રમી શક્યો હોત. મારા સહિત બધા ક્રિકેટચાહકો માટે તે ખૂબ જ આશ્ચર્યજનક અને આઘાતજનક હતું, કારણ કે આપણે બધા જાણતા હતા કે તે શારીરિક રીતે કેટલો ફિટ છે અને ઇંગ્લેન્ડ ટેસ્ટ-સિરીઝ માટે પોતાને તૈયાર કરી રહ્યો હતો.’
તેણે વધુમાં કહ્યું કે ‘મને લાગે છે કે તેને એવું લાગ્યું નહોતું કે ટીમ ઇન્ડિયામાં તેની જરૂર છે. એ વિશે તો ફક્ત તે જ કહી શકે છે. મને લાગે છે કે તે ક્યારેય જાહેર પ્લૅટફૉર્મ પર આનો ખુલાસો કરશે નહીં. ભગવાને તેને જે આપ્યું છે એનાથી તે ખૂબ ખુશ છે. તે આધ્યાત્મિક પણ બની રહ્યો છે. તેને એ (હેડ કોચ ગૌતમ ગંભીરના આવ્યા બાદનું) વાતાવરણ ગમ્યું નહીં હશે જેમાં તે રમી રહ્યો હતો.’