ઘાટકોપર જૉલી જિમખાનાની ઐતિહાસિક ટુર્નામેન્ટ છેક છેલ્લા દિવસ સુધી રોમાંચક રહી

28 November, 2022 12:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જૉલી જિમખાના ‘બી’ ટીમે જૉલી જિમખાના ‘ડી’ ટીમને હરાવીને ચૅમ્પિયનપદ મેળવી લીધું હતું, જ્યારે જૉલી જિમખાના ‘ડી’ ટીમ રનર-અપ રહી હતી.

ચૅમ્પિયન બનેલી ઘાટકોપર જૉલી જિમખાનાની ‘બી’ ટીમ.

ઘાટકોપર જૉલી જિમખાના દ્વારા આયોજિત એમસીએ અન્ડર-15 ગર્લ્સ સિલેક્શન ટ્રાયલ ટુર્નામેન્ટ શુક્રવારે સફળતાપૂર્વક પૂરી થઈ હતી. શરૂઆતથી છેક સુધી રોમાંચક રહેલી આ સ્પર્ધાની નિર્ણાયક મૅચમાં જૉલી જિમખાના ‘બી’ ટીમે જૉલી જિમખાના ‘ડી’ ટીમને હરાવીને ચૅમ્પિયનપદ મેળવી લીધું હતું, જ્યારે જૉલી જિમખાના ‘ડી’ ટીમ રનર-અપ રહી હતી. એ સાથે ઘાટકોપર જૉલી જિમખાનાની આ ઐતિહાસિક ટુર્નામેન્ટનું સમાપન થયું હતું. ફાઇનલની સ્થિતિ આ મુજબ હતી : ટીમ ‘ડી’ - પ્રથમ બૅટિંગમાં ૧૧૧ રનમાં ઑલઆઉટ. ટીમ ‘બી’ એક જ વિકેટે ૧૧૨ રન બનાવી વિજયી થઈ (સન્મયા ઉપાધ્યાય ૭૧ અણનમ). પ્રિયદર્શિની સિંહ (કુલ ૮ વિકેટ) બોલર ઑફ ધ ટુર્નામેન્ટ, સન્મયા ઉપાધ્યાય (કુલ ૨૬૮ રન) બૅટર ઑફ ધ ટુર્નામેન્ટ અને હિયા પંડિત (૧૬૮ રન તથા ૮ વિકેટ) પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ.

ઘાટકોપર જૉલી જિમખાનાના ચૅરમૅન રજનીભાઈ શાહ તથા મૅનેજિંગ ટ્રસ્ટી મનોજભાઈ અજમેરા લેડીઝ ક્રિકેટને આગળ લાવવા માટે હંમેશાં પ્રોત્સાહન આપતા હોય છે અને આ ટુર્નામેન્ટની સફળતા જૉલી જિમખાનાની યશકલગીમાં વધુ એક પીછું ઉમેરાયા સમાન કહી શકાય.

ઇનામ-વિતરણ સમારોહમાં ઘાટકોપર જૉલી જિમખાનાના સેક્રેટરી પરેશ શાહ, ટ્રસ્ટી તથા ટ્રેઝરર બળવંતભાઈ સંઘરાજકા, ક્રિકેટ-ઇન્ચાર્જ તથા મૅનેજિંગ કમિટીના મેમ્બર નિશિથભાઈ 
ગોળવાલા તેમ જ આ કમિટીના અન્ય મેમ્બર્સ તથા એમસીએના સેક્રેટરી, જૉઇન્ટ સેક્રેટરી તથા અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત હતા.

sports news sports cricket news ghatkopar mumbai cricket association