09 November, 2026 03:22 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મુંબઈ ક્રિકેટ અસોસિએશન (MCA) એના કોચિંગ પ્રોગ્રામમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કરનાર પ્રથમ ક્રિકેટ અસોસિએશન બનવા માટે તૈયાર છે. હાલમાં બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં એક પાઇલટ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. બૅટ્સમૅનની દરેક ચાલની દરેક વિગત કૅપ્ચર કરવા માટે દરેક પિચની આસપાસ અલગ-અલગ ખૂણા પર ચાર કૅમેરા સ્થાપિત કરવામાં આવશે. કોચ એક ઍપ દ્વારા ફુટેજ અને પ્રદર્શનનો ડેટા જોઈ શકશે.
MCAએ સિંગાપોર સ્થિત AI કંપની લેવલ અપ સ્પોર્ટ્સલિટિક્સ સાથે કરાર કર્યો છે. MCAના પ્રમુખ અજિંક્ય નાઈકે કહ્યું કે ‘અમે અમારા દૈનિક નેટ-સેશનમાં AI અપનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમે જોઈશું કે AI અમારા કોચ અને પ્લેયર્સને શ્રેષ્ઠ બનવામાં કેવી રીતે ફાયદો કરે છે. અમે એ બધા પાસેથી પ્રતિસાદ લઈશું કે એનાથી તેમને કેવી રીતે મદદ મળી છે.’