મને ઇંગ્લિશ નથી આવડતું એની એક ટકો પણ શરમ નથી

13 April, 2025 10:28 AM IST  |  Islamabad | Gujarati Mid-day Correspondent

પાકિસ્તાની કૅપ્ટન મોહમ્મદ રિઝવાને ટ્રોલર્સને આપ્યો જવાબ

મોહમ્મદ રિઝવાન

પાકિસ્તાનના કૅપ્ટન મોહમ્મદ રિઝવાન દ્વારા ખરાબ ઇંગ્લિશ બોલવા માટે સોશ્યલ મીડિયા પર તેને ભારે ટ્રોલ કરવામાં આવે છે, પણ હાલમાં તેણે ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપ્યો છે.

પાકિસ્તાન સુપર લીગ (PSL)ની નવી સીઝનમાં મુલતાન સુલ્તાન્સની આગેવાની કરનાર રિઝવાને એક પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું કે ‘મને એક વાતનો ગર્વ છે અને તે એ છે કે હું જે કંઈ પણ કહું છું, એ હું મારા દિલથી કહું છું. મને ઇંગ્લિશ આવડતું નથી. મારો એકમાત્ર અફસોસ એ છે કે મેં પૂરતું શિક્ષણ મેળવ્યું નથી, પરંતુ મને એ વાતની એક ટકો પણ શરમ નથી કે હું પાકિસ્તાન ક્રિકેટ ટીમનો કૅપ્ટન હોવા છતાં ઇંગ્લિશ બોલી શકતો નથી. અત્યારે પાકિસ્તાન મારી પાસેથી ક્રિકેટની માગણી કરી રહ્યું છે. પાકિસ્તાન મારી પાસેથી ઇંગ્લિશની માગણી નથી કરી રહ્યું, જ્યારે એવું થશે ત્યારે હું ક્રિકેટ છોડી દઈશ અને પ્રોફેસર બનીશ, પણ મારી પાસે એટલો સમય નથી. હું મારા જુનિયરોને તેમનું શિક્ષણ પૂર્ણ કરવાનું કહું છું જેથી તેઓ સારું ઇંગ્લિશ બોલી શકે.’

pakistan viral videos social media cricket news sports news sports