05 November, 2024 10:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મોહમ્મદ શમી
ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ૨૦૨૩ના વન-ડે વર્લ્ડ કપ બાદથી પગની ઇન્જરીને કારણે ક્રિકેટના મેદાન પર વાપસી કરી શક્યો નથી અને હવે તેની વાપસીમાં વધુ વિલંબ થશે. ન્યુ ઝીલૅન્ડ બાદ ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ-સિરીઝમાં પણ સિલેક્ટ ન થયેલા મોહમ્મદ શમીને રણજી સીઝનથી ક્રિકેટના મેદાન પર વાપસીની ઇચ્છા હતી, પરંતુ બંગાળની ટીમે આગામી બે રણજી મૅચ માટે પણ તેને સિલેક્ટ કર્યો નથી. બંગાળ ૬ નવેમ્બરથી ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં કર્ણાટક સામે જ્યારે ૧૩ નવેમ્બરથી ઇન્દોરમાં મધ્ય પ્રદેશ સામે ટકરાશે.
ખભાની ઇન્જરીને કારણે ત્રિપુરા સામેની રણજી મૅચ ગુમાવનાર શ્રેયસ ઐયર મુંબઈની ટીમમાં વાપસી માટે તૈયાર છે. લગભગ એક અઠવાડિયાના આરામ બાદ તે ૬ નવેમ્બરથી મુંબઈના MCA ક્રિકેટ ગ્રાઉન્ડ પર આયોજિત ઓડિશા સામેની મૅચથી ટીમમાં વાપસી કરી શકે છે.