15 November, 2026 08:02 AM IST | Oman | Gujarati Mid-day Correspondent
વિજયી ટીમ ઇન્ડિયા
ત્રણ રન જોઈતા હતા ત્યારે અંતિમ બૉલે ચોગ્ગો ફટકારીને ગુજરાતના મોહિત ઉલ્વાએ ભારતને અપાવ્યો નવમો અન્ડર-19 એશિયા કપ : ૩૩૮ રનના લક્ષ્યાંક સામે કૅપ્ટન લક્ષ્ય રાયચંદાનીના ૮૦, આર્યવીર સેહવાગના ૫૮ અને મનલ ચૌહાણના આક્રમક ૪૭ રન; મોહિત ઉલ્વા ૪૯ રન કરીને અણનમ રહ્યો; નવમી વિકેટે ૩૦૯ રનના સ્કોર પર પડી એ પછી દસમી વિકેટ માટે ૩૦ રનની જબરદસ્ત પાર્ટનરશિપ થઈ.
શનિવારે ઓમાનના મસ્કતમાં રમાયેલી અન્ડર-19 એશિયા કપની રોમાંચક ફાઇનલમાં ગુજરાતના સુરેન્દ્રનગરના મોહિત ઉલ્વાએ અંતિમ બૉલે ચોગ્ગો ફટકારતાં ભારતીય ટીમે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે એક વિકેટે યાદગાર વિજય મેળવીને પોતાનું નવમું ટાઇટલ જીતી લીધું હતું. ૩૩૮ રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરતાં ઇન્ડિયાએ અંતિમ બૉલ સુધી ચાલેલા મુકાબલામાં ૫૦ ઓવરમાં ૯ વિકેટે ૩૩૯ રન બનાવ્યા હતા.
પ્લેયર ઑફ ધ સિરીઝની ટ્રોફી લેતો આર્યવીર સેહવાગ.
કૅપ્ટન લક્ષ્ય રાયચંદાનીએ ૮૦ રનની સંયમિત ઇનિંગ્સ રમીને દાવ સંભાળ્યો હતો, જ્યારે અંતિમ તબક્કામાં મનલ ચૌહાણ અને મોહિત ઉલ્વાએ મહત્ત્વપૂર્ણ ભાગીદારી નોંધાવીને ભારતની આશા જીવંત રાખી હતી. મોહિત ૪૯ રને અને ચિગુરુપતિ વેન્કટ ૧૧ રને અણનમ રહ્યા હતા. અંતિમ ઓવરમાં ભારતને જીત માટે ૮ રનની જરૂર હતી અને પાકિસ્તાન જીતથી માત્ર એક વિકેટ દૂર હતું. મોહિત અને વેન્કટે અહમદ હુસૈન સામે સંયમ જાળવી રાખ્યો હતો. બન્ને બૅટરોએ સિંગલ્સ લીધા બાદ અને એક સ્ટમ્પિંગની અપીલમાંથી બચ્યા બાદ અંતિમ બૉલે ત્રણ રનની જરૂર હતી ત્યારે મોહિતે બૉલને બાઉન્ડ્રી પાર મોકલીને ઐતિહાસિક જીત અપાવી હતી.
ઇન્ડિયાએ લક્ષ્યાંકનો પીછો કરતાં સકારાત્મક શરૂઆત કરી હતી. ઓપનર આર્યવીર સેહવાગ અને રાયચંદાનીએ પ્રથમ વિકેટ માટે ૯૫ રન જોડ્યા હતા. ચોથી ઓવરમાં અલી રઝાનો બૉલ જમણા હાથ પર વાગવા છતાં સેહવાગે બૅટિંગ ચાલુ રાખી હતી અને અડધી સદી પૂરી કરી હતી. તે ૧૮મી ઓવરમાં નિકાબ શફીકની બોલિંગમાં ઉસ્માન ખાનના હાથે કૅચઆઉટ થયો હતો, તેણે ૬૧ બૉલમાં નવ ચોગ્ગા સાથે ૫૮ રન બનાવ્યા હતા.
એશિયા કપ સાથે મોહિત ઉલ્વા
ત્યાર બાદ રાયચંદાનીએ વી. કે. વિનીત (૨૧ બૉલમાં ૨૪ રન) સાથે મળીને સ્કોર આગળ ધપાવ્યો હતો, પરંતુ ૨૭મી ઓવરમાં રિઝવાનુલ્લાહે વિનીતને અને ૩૧મી ઓવરમાં અર્જુન રાજપૂતને (૧૬ રન) આઉટ કરીને પાકિસ્તાનને વાપસી અપાવી હતી. ૩૩મી ઓવરમાં યશવર્ધન ચૌહાણ (૯ રન) પણ આઉટ થયો હતો. જોકે રાયચંદાની અને અન્વય દ્રવિડે ૫૬ રનની ભાગીદારી કરીને ભારતને મૅચમાં જાળવી રાખ્યું હતું.
લક્ષ્ય રાયચંદાનીએ મહત્ત્વપૂર્ણ ૮૦ રનની ઇનિંગ્સ રમી.
૩૭મી ઓવરમાં પાકિસ્તાને બે ઝટકા આપતાં ભારત દબાણમાં આવ્યું હતું. રાયચંદાની ૧૦૧ બૉલમાં ૮૦ રન બનાવી અલી રઝાનો શિકાર બન્યો હતો, જ્યારે પાકિસ્તાની કૅપ્ટન ફરહાન યુસુફના ડાયરેક્ટ થ્રો પર દ્રવિડ (૧૯ રન) રનઆઉટ થયો હતો. ત્યાર બાદ આર્યન સવસાણી (૯ રન) અને કાવ્ય પટેલ (૦) પણ જલદી આઉટ થઈ જતાં ભારત મુશ્કેલીમાં મુકાયું હતું.
વધતા જતા રનરેટ વચ્ચે મનલ ચૌહાણ અને મોહિત ઉલ્વાએ વળતો પ્રહાર કર્યો હતો. ૪૩મી ઓવરમાં મનલે મોહમ્મદ સૈયમની ઓવરમાં બે છગ્ગા ફટકારતાં કુલ ૧૯ રન આવ્યા હતા. ૪૫મી ઓવરમાં મોહિતે અલી રઝા સામે છગ્ગો ફટકારતાં બન્ને વચ્ચે ૫૦ રનની ભાગીદારી પૂરી થઈ હતી અને ટીમનો સ્કોર ૩૦૦ને પાર પહોંચ્યો હતો. ૪૭મી ઓવરમાં નિકાબ શફીકે મનલને આઉટ કરીને ૫૭ રનની આ જોડી તોડી હતી. મનલે ૩૨ બૉલમાં ત્રણ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી ૪૭ રન બનાવ્યા હતા. અંતિમ તબક્કામાં મોહિત અને વેન્કટે બાજી સંભાળીને ભારતને ચૅમ્પિયન બનાવ્યું હતું. પાકિસ્તાન તરફથી રિઝવાનુલ્લાહે ત્રણ અને શફીકે બે વિકેટ ઝડપી હતી.
રાજકોટમાં મોહિત ઉલ્વાના પરિવારના સભ્યોએ જીતની ઉજવણી કરી.
અગાઉ ડિફેન્ડિંગ ચૅમ્પિયન પાકિસ્તાને ઉસ્માન ખાનની સદી (૧૦૭ રન) તેમ જ અબ્દુલ કાદિર (૮૦ રન) અને કૅપ્ટન ફરહાન યુસુફ (૬૩ રન)ની અડધી સદીની મદદથી ૫૦ ઓવરમાં ૯ વિકેટે ૩૩૭ રનનો મજબૂત સ્કોર ખડક્યો હતો. ઉસ્માન અને હયામ ખાને પ્રથમ વિકેટ માટે ૬૨ રન જોડ્યા હતા, ત્યાર બાદ ઉસ્માન અને કાદિરે બીજી વિકેટ માટે ૧૩૫ રનની આક્રમક ભાગીદારી કરી હતી. કાદિરે ૫૪ બૉલમાં ૮૦ રન ફટકાર્યા હતા, જ્યારે ઉસ્માને ટુર્નામેન્ટની પોતાની બીજી સદી પૂરી કરતાં ૧૧૧ બૉલમાં ૧૧ ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે ૧૦૭ રન બનાવ્યા હતા.
અંતિમ ઓવરોમાં ઇન્ડિયાના બોલરોએ શાનદાર વાપસી કરી હતી. ચિગુરુપતિ વેન્કટે ૪૫મી ઓવરમાં અહમદ હુસેન (૧૭ રન) અને યુસુફ (૬૩ રન)ને સ્લોઅર બૉલ પર આઉટ કર્યા હતા. કાવ્ય પટેલે ૬૮ રનમાં ૪ અને વેન્કટે ૪૦ રનમાં ત્રણ વિકેટ ઝડપીને પાકિસ્તાનને ૩૩૭ રન સુધી સીમિત રાખ્યું હતું.