મોહસિન નકવી ભારતના વર્ચસ્વને પડકારવા તૈયાર કરી રહ્યો છે મોરચો

11 May, 2026 04:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હાલમાં બંગલાદેશમાં બંગલાદેશ ક્રિકેટ બોર્ડ સાથે મુલાકાત કરીને તેમણે બન્ને દેશના ક્રિકેટ અને વહીવટી સંબંધોને મજબૂત બનાવ્યા છે.

બંગલાદેશ ક્રિકેટ બોર્ડના અધિકારીઓ સાથે મુલાકાત કરતા મોહસિન નકવી.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચૅરમૅન મોહસિન નકવીએ ક્રિકેટજગતમાં ભારતના વર્ચસ્વને પડકારવા માટે મોરચો તૈયાર કરવાની શરૂઆત કરી છે. હાલમાં બંગલાદેશમાં બંગલાદેશ ક્રિકેટ બોર્ડ સાથે મુલાકાત કરીને તેમણે બન્ને દેશના ક્રિકેટ અને વહીવટી સંબંધોને મજબૂત બનાવ્યા છે. બન્ને પક્ષો એશિયન અને ઇન્ટરનૅશનલ ક્રિકેટ મંચ પર મુખ્ય મુદ્દાઓ પર એકબીજાને ટેકો આપવા સંમત થયા છે. અહેવાલ અનુસાર બન્ને બોર્ડ ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની અંદર એક મજબૂત સામૂહિક અવાજ બનાવવાના પ્રયાસમાં અન્ય ક્રિકેટ રાષ્ટ્રો સાથે જોડાણ કરવાનો ઇરાદો ધરાવે છે. મોહસિન નકવીએ બંગલાદેશ ક્રિકેટ બોર્ડના ચૅરમૅન તમિમ ઇકબાલ સાથે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ વિશે મહત્ત્વપૂર્ણ ચર્ચા કરી હતી. ચર્ચાઓ ૨૦૨૮-’૩૧ સીઝન માટે ICCના ફ્યુચર ટૂર્સ પ્રોગ્રામ પર પણ કેન્દ્રિત હતી. ઑસ્ટ્રેલિયા, ઇંગ્લૅન્ડ અને ભારતની જેમ દરેક દેશને સમાન મૅચો રમવાની તક આપવી અને ICC તરફથી આવક-વિસ્તરણમાં સમાન રાખવા જેવા મુદ્દા પર બન્ને દેશ આગામી સમયમાં મોટો મોરચો ખોલી શકે છે.

બંગલાદેશના ૪૧૩ રન સામે પાકિસ્તાન ૩૮૬ રને ઑલઆઉટ: ત્રીજા દિવસના અંતે યજમાન પાસે ૩૪ રનની લીડ

ઢાકામાં ગઈ કાલે પહેલી ટેસ્ટ-મૅચના ત્રીજા દિવસે પાકિસ્તાન સામે યજમાન બંગલાદેશે પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો. પહેલી ઇનિંગ્સમાં બંગલાદેશના ૪૧૩ રન સામે પાકિસ્તાન ૧૦૦.૩ ઓવરમાં ૩૮૬ રન કરીને ઑલઆઉટ થઈ ગયું હતું. ત્રીજા દિવસના અંતે બીજી ઇનિંગ્સમાં ૧.૫ ઓવરમાં ૭ રન કરીને બંગલાદેશે ૩૪ રનની લીડ જાળવી રાખી હતી. પાકિસ્તાન માટે ઓપનર અઝાન અવૈસે ૧૬૫ બૉલમાં ૧૦૩ રન કર્યા હતા. અબદુલ્લા ફઝલે ૧૨૦ બૉલમાં ૬૦ રન, મોહમ્મદ રિઝવાને ૭૯ બૉલમાં ૫૯ રન અને સલમાન અલી આગાએ ૯૪ બૉલમાં ૫૮ રનનું યોગદાન આપ્યું હતું. વરસાદથી પ્રભાવિત ત્રીજા દિવસની રમતમાં પાકિસ્તાને ૧૧ ઓવરમાં ૩૭ રનના સ્કોરે પોતાની અંતિમ પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. ‍બંગલાદેશ તરફથી સ્પિનર મેહિદી હસન મિરાઝે ૩૮ ઓવરમાં ૧૦૨ રન આપીને સૌથી વધુ પાંચ વિકેટ લીધી હતી. ફાસ્ટ બોલર તસ્કિન અહમદ અને સ્પિનર તૈજુલ ઇસ્લામને બે-બે  વિકેટ, જ્યારે યંગ ફાસ્ટ બોલર નાહીદ રાણાને એક વિકેટ મળી હતી. 

bangladesh cricket news sports sports news board of control for cricket in india jay shah pakistan