18 November, 2026 10:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એમ એસ ધોની
IPLમાંથી નિવૃત્તિ પછી ગઈ કાલે સાંજે મહેન્દ્ર સિંહ ધોનીએ સોશ્યલ મીડિયા પર આશરે ૩ મિનિટનો એક વિડિયો શૅર કર્યો હતો. આ વિડિયોમાં ધોનીએ ૨૦૦૭ના T20 વર્લ્ડ કપ, ૨૦૧૧ના વન-ડે વર્લ્ડ કપથી લઈને ચેન્નઈ માટે રમવા સુધીના ફેન્સ અને પ્લેયર્સ સાથેના કેટલાક યાદગાર ફોટો રાખ્યા હતા. તેણે આ વિડિયોમાં ‘મૈં હર એક પલ કા શાયર હૂં’ સૉન્ગનો ઉપયોગ કર્યો.
ધોનીએ કૅપ્શનમાં લખ્યું કે ‘ચાહકોએ મને ખોટો સાબિત કર્યો અને એને સ્વીકારવા માટે આનાથી સારું ગીત બીજું કોઈ હોઈ શકે નહીં. કદાચ આ ગીતના બે વર્ઝન એટલે જ બન્યાં હતાં જેથી હું ભૂલ કરી શકું અને પછી એને સ્વીકારી શકું. ‘
૨૦૨૦માં ઇન્ટરનૅશનલ ક્રિકેટની નિવૃત્તિના વિડિયોમાં ધોનીએ ‘મૈં પલ દો પલ કા શાયર હૂં’વાળા વિદાયના વર્ઝન સાથેના સૉન્ગનો ઉપયોગ કર્યો હતો. આ સૉન્ગ દ્વારા તેણે ઇશારો કર્યો હતો કે નવા પ્લેયર્સના આવવાથી ફૅન્સ જૂના પ્લેયર્સને ભૂલી જશે. જોકે ચાહકોએ IPLમાં ધોનીને ભરપૂર પ્રેમ આપીને તેને ખોટો સાબિત કર્યો. હાલમાં ઉપયોગમાં લીધેલા ‘મૈં હર એક પલ કા શાયર હૂં’ સૉન્ગમાં અસ્તિત્વના સ્વીકાર અને ખુશીની ભાવના વ્યક્ત કરવામાં આવી છે.