ડોસા, ઇડલી, સાંભાર, ચટની... ચટની

17 April, 2026 02:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આ સૉન્ગ વગાડીને ચેન્નઈના પ્લેયર્સનું અપમાન કરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ ભારતીય ક્રિકેટ બોર્ડમાં

CSK અને RCB ના કૅપ્ટન

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની પાંચ વખતની ચૅમ્પિયન ટીમ ચેન્નઈ સુપર કિંગ્સે ભારતીય ક્રિકેટ બોર્ડમાં ફરિયાદ નોંધાવી છે. તેમનો આરોપ છે કે પાંચમી એપ્રિલે બૅન્ગલોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં IPL મૅચ દરમ્યાન તેમનું અપમાન કરવામાં આવ્યું હતું. આ મૅચમાં રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુના ૨૫૦-૩ના સ્કોર સામે ચેન્નઈ અંતિમ ઓવરમાં ૨૦૭ રને ઑલઆઉટ થઈ ગયું હતું. આ મૅચ દરમ્યાન સ્ટેડિયમના DJએ ‘ડોસા, ઇડલી, સાંભાર, ચટની... ચટની’ સૉન્ગ વગાડ્યું હતું. કેરલમના સંગીતકાર અપ્પુ ક્રિષ્નન દ્વારા રચિત આ સૉન્ગ સોશ્યલ મીડિયા પર ખૂબ લોકપ્રિય બન્યું હતું અને ઘણી વાર સાઉથ ઇન્ડિયાના ભારતીય લોકોને દર્શાવતાં મીમ્સમાં એનો ઉપયોગ થાય છે. તામિલનાડુના શહેર ચેન્નઈના નામ સાથે રમી રહેલી આ ટીમના મૅનેજમેન્ટે આ સૉન્ગના સમય અને સંદર્ભ બન્નેને અયોગ્ય ગણાવ્યાં છે. દરેક મૅચમાં DJ સામાન્ય રીતે હોમ-ટીમને ટેકો આપવા માટે હોય છે, પરંતુ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં પરિસ્થિતિ અલગ હતી. DJએ ચેન્નઈના ખેલાડીઓ વિરુદ્ધ કેટલીક કમેન્ટ પણ કરી હતી એને ધ્યાનમાં લઈને ચેન્નઈ ટીમે ભારતીય ક્રિકેટ બોર્ડને લેટર લખીને આ બાબતની તપાસ કરવાની વિનંતી કરી છે. ચેન્નઈ સુપર કિંગ્સના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO) કાસી વિશ્વનાથને પણ આ ઘટનાની પુષ્ટિ કરી છે.

IPL 2026માં પહેલી વખત મહેન્દ્ર સિંહ ધોની ચેન્નઈથી બહાર નીકળ્યો

હારની હૅટ-ટ્રિક બાદ સતત બે મૅચ જીતીને લયમાં આવેલી ચેન્નઈ સુપર કિંગ્સ શનિવારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમશે. શનિવારની સાંજની આ મૅચ માટે ગઈ કાલે ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ સાથે અનુભવી વિકેટકીપર-બૅટર મહેન્દ્ર સિંહ ધોની પણ ટ્રાવેલ કરીને હૈદરાબાદ પહોંચ્યો હતો. વર્તમાન સીઝનમાં પહેલી જ વખત તે ચેન્નઈથી બહાર ટીમ સાથે ટ્રાવેલ કરતો જોવા મળ્યો હતો. પગના સ્નાયુઓના ખેંચાણને કારણે તે હમણાં સુધી ચેન્નઈમાં ચેપૉક સ્ટેડિયમના પ્રૅક્ટિસ-સેશનમાં જ ટીમ સાથે જોવા મળતો હતો. જોકે તે હૈદરાબાદ સામે રમશે કે નહીં એની હજી પુષ્ટિ થઈ નથી. કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે ધોની સંપૂર્ણ ફિટ થઈને ૨૩  એપ્રિલે વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ સામેની મૅચથી જ વાપસી કરશે. 

ચેન્નઈનો ફાસ્ટ બોલર ખલીલ અહમદ ઇન્જરીને કારણે IPL 2026માંથી આઉટ

ચેન્નઈ સુપર કિંગ્સનો પેસ બોલર ખલીલ અહમદ જાંઘની ઈજાને કારણે IPL 2026માંથી બહાર થઈ ગયો છે. ૨૮ વર્ષના આ ભારતીય બોલરે ચેન્નઈ માટે તમામ પાંચ મૅચ રમીને ૮.૬૭ના ઇકૉનૉમી-રેટથી બોલિંગ કરીને માત્ર બે વિકેટ લીધી હતી. મંગળવારે કોલકાતા નાઇટ રાઇડર્સ સામેની મૅચમાં દુખાવાને કારણે તે પોતાની સ્પેલનો અંતિમ બોલ ફેંકી શક્યો નહોતો. અહેવાલ અનુસાર જમણા પગની જાંઘમાં ઇન્જરીને કારણે તેને સ્વસ્થ થવામાં ઓછામાં ઓછાં ૧૦-૧૨ અઠવાડિયાં લાગશે. તેણે વર્ષ ૨૦૧૮થી ત્રણ ટીમો માટે ૭૬ IPL મૅચ રમીને ૯૧  વિકેટ લીધી છે. ડાબા હાથના આ ઝડપી બોલરે ભારત માટે ૧૧ વન-ડે અને ૧૮ T20 મૅચ રમી છે. છેલ્લે તે જુલાઈ ૨૦૨૪ માં ઇન્ટરનૅશનલ મૅચ રમ્યો હતો.  

chennai super kings royal challengers bangalore m chinnaswamy stadium IPL 2026 ms dhoni sports news sports cricket news