ભગવાન રામની જેમ મુંબઈની ટીમનો પણ ૧૪ વર્ષનો વનવાસ પૂરો થયો

31 March, 2026 03:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈ ઇન્ડિયન્સની વિજયી શરૂઆતથી ખુશ નીતા અંબાણીએ કહ્યું...ભગવાન રામની જેમ મુંબઈની ટીમનો પણ ૧૪ વર્ષનો વનવાસ પૂરો થયો, છેલ્લી સતત ૧૩ સીઝનથી મુંબઈ પોતાની ઓપનિંગ મૅચ જીતી શક્યું નહોતું

ટીમના પ્લેયર્સ સાથે ડ્રેસિંગ રૂમમાં વિજયી શરૂઆતની ઉજવણી કરતાં માલિક આકાશ અંબાણી અને નીતા અંબાણી.

રવિવારે મુંબઈ ઇન્ડિયન્સે કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ૬ વિકેટની જીત સાથે IPL 2026માં વિજયી શરૂઆત કરી હતી. કલકત્તાએ અજિંક્ય રહાણેના ૪૦ બૉલમાં ૬૭ રન અને અંગક્રિશ રઘુવંશીના ૨૯ બૉલમાં ૫૧ રનની મદદથી વાનખેડે સ્ટેડિયમમાં પોતાનો ૨૨૦/૪નો હાઇએસ્ટ સ્કોર કર્યો હતો. જોકે મુંબઈએ ઓપનર્સ રાયન રિકલ્ટનના ૪૩ બૉલમાં ૮૧ રન અને રોહિત શર્માના ૩૮ બૉલમાં ૭૮ રનની મદદથી ૧૯.૧ ઓવરમાં ૨૨૪/૪નો સ્કોર કરીને ૨૨૩ રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. 
વાનખેડે સ્ટેડિયમમાં IPLની અને મુંબઈ ઇન્ડિયન્સની પોતાની આ હાઇએસ્ટ સફળ રનચેઝ હતી. મુંબઈ ૭ વખત ૨૨૦+નો ટાર્ગેટ ચેઝ નથી કરી શક્યું. ૬ વખત ૨૦૦+નો ટાર્ગેટ ચેઝ કરનાર મુંબઈએ છેલ્લે ૨૦૨૧માં ચેન્નઈ સુપર કિંગ્સ સામે હાઇએસ્ટ ૨૧૯ રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. 
કલકત્તા સામેની જીતથી મુંબઈએ સતત ૧૩ સીઝનની પહેલી મૅચ હારવાનો સિલસિલો તોડ્યો હતો. જીત બાદ મુંબઈના ડ્રેસિંગ રૂમમાં ઉજવણી દરમ્યાન નીતા અંબાણીએ કહ્યું હતું કે ‘ભગવાન રામની જેમ મુંબઈનો પણ ૧૪ વર્ષનો વનવાસ પૂરો થયો છે. ૨૦૧૨માં જ્યારે આપણે છેલ્લે સીઝનની પહેલી મૅચ જીત્યા હતા ત્યારે હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહ ટીમમાં નહોતા. રોહિત શર્મા ટીમનો કૅપ્ટન પણ નહોતો. એ સમયે હરભજન સિંહ ટીમનો કૅપ્ટન હતો.’ 
૨૦૦૮ની ઓપનિંગ સીઝનની પહેલી મૅચ હાર્યા બાદ મુંબઈએ ૨૦૦૯થી ૨૦૧૨ સુધી સતત ૪ સીઝનમાં વિજયી શરૂઆત કરી 

હતી. જોકે ૨૦૧૩થી ૨૦૨૫ સુધી સતત ૧૩ સીઝન મુંબઈ ઇન્ડિયન્સ પોતાની ઓપનિંગ મૅચ જીતી શક્યું નહોતું. 

11
આટલી હાઇએસ્ટ IPL મૅચ એક વેન્યુ પર એક હરીફ ટીમ સામે જીતવાનો રેકૉર્ડ જાળવી રાખ્યો મુંબઈએ. 

IPLમાં એક ટીમ સામે સૌથી વધુ જીત
કલકત્તા સામે ૩૬ મૅચમાં મુંબઈની પચીસ જીત 
બૅન્ગલોર સામે ૩૫ મૅચમાં ચેન્નઈની ૨૧ જીત 
પંજાબ સામે ૩૫ મૅચમાં કલકત્તાની ૨૧ જીત 
ચેન્નઈ સામે ૩૯ મૅચમાં મુંબઈની ૨૧ જીત 
દિલ્હી સામે ૩૭ મૅચમાં મુંબઈની ૨૧ જીત 

મુંબઈ ઇન્ડિયન્સ ૩૦૦ T20 મૅચ રમનાર પહેલી ફ્રૅન્ચાઇઝી ટીમ બની 
મુંબઈ ઇન્ડિયન્સે ૨૭૮ IPL મૅચ અને બાવીસ ચૅમ્પિયન્સ લીગ મૅચ સાથે ૩૦૦ T20 મૅચ રમવાની સિદ્ધિ મેળવી હતી. મુંબઈ ઇન્ડિયન્સ ૩૦૦ T20 મૅચ રમનાર પહેલી ફ્રૅન્ચાઇઝી ટીમ બની હતી. મુંબઈ ઇન્ડિન્સ પહેલાં પાકિસ્તાન અને ઇંગ્લૅન્ડની ક્રિકેટક્લબ સમરસેટે ૩૦૩-૩૦૩ જેટલી T20 મૅચ રમીને આ સિદ્ધિ મેળવી લીધી હતી. 

mumbai indians rohit sharma nita ambani mumbai cricket news IPL 2026 indian premier league sports news sports kolkata knight riders