02 February, 2025 09:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્લેયર ઑફ ધ મૅચના મેડલ સાથે શાર્દૂલ ઠાકુર.
ગ્રુપ-Aમાં અંતિમ લીગ સ્ટેજ-મૅચમાં મુંબઈની ટીમે મેઘાલય સામે જીત નોંધાવીને નૉક-આઉટ રાઉન્ડમાં ક્વૉલિફિકેશન માટે પોતાની મજબૂત દાવેદારી નોંધાવી છે. મેઘાલય સામે મુંબઈની ટીમે એક ઇનિંગ્સ અને ૪૫૬ રને જીત મેળવી હતી જે રણજી ટ્રોફી ઇતિહાસની ઓવરઑલ ત્રીજી અને મુંબઈ રણજીની સૌથી મોટી જીત છે. પહેલી ઇનિંગ્સમાં મેઘાલયના ૮૬ રન સામે મુંબઈએ ૬૭૧/૭ના સ્કોર પર ઇનિંગ્સ ડિક્લેર કરી હતી. મેઘાલયની ટીમ બીજી ઇનિંગ્સમાં ૧૨૯ રનમાં ઑલઆઉટ થઈ જતાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.
ઑલરાઉન્ડર શાર્દૂલ ઠાકુરે પહેલી ઇનિંગ્સમાં હૅટ-ટ્રિક વિકેટ લેવાની સાથે મૅચમાં ૮ વિકેટ લઈને ૮૪ રન ફટકાર્યા હતા. તે આ યાદગાર જીતમાં શાનદાર પ્રદર્શન કરીને પ્લેયર ઑફ ધ મૅચ બન્યો છે. ગ્રુપ-Aમાં જમ્મુ-કાશ્મીરની જેમ મુંબઈ ૨૯ પૉઇન્ટ સાથે પૉઇન્ટ્સ-ટેબલમાં ટોચ પર છે, પરંતુ ડિફેન્ડિંગ ચૅમ્પિયન ટીમ નેટ રન-રેટ (૧.૭૪)ના આધારે જમ્મુ અને કાશ્મીર (૧.૫૯)થી આગળ છે. બરોડા સામે ચાલી રહેલી મૅચમાં જમ્મુ-કાશ્મીર પાસે ૩૦૦ પ્લસ રનની લીડ છે અને એ જીતથી ૮ વિકેટ દૂર છે. તેઓ ઓછામાં ઓછા ત્રણ પૉઇન્ટ મેળવવાની સ્થિતિમાં છે અને આ ગ્રુપમાં ટોચના સ્થાને રહેશે.
રણજી ટ્રોફીમાં રમનાર પ્લેયર્સને કેટલી સૅલેરી મળે છે?
૨૦ જેટલી રણજી મૅચ રમેલા પ્લેયર્સને એક રણજી મૅચના એક દિવસના ૪૦,૦૦૦ રૂપિયા મળે છે, જ્યારે ૨૧થી ૪૦ મૅચવાળા પ્લેયર્સને ૫૦,૦૦૦ અને ૪૧થી ૬૦ મૅચ રમનાર ક્રિકેટરને એક દિવસના ૬૦,૦૦૦ રૂપિયા મળે છે. રિઝર્વ પ્લેયર્સને અનુક્રમે ૨૦,૦૦૦, ૨૫,૦૦૦ અને ૩૦,૦૦૦ રૂપિયા મળે છે. જો કોઈ સિનિયર ક્રિકેટરની ટીમ ફાઇનલમાં પહોંચે તો તેને પચીસ લાખ રૂપિયા મળે છે, જ્યારે અન્ય પ્લેયર્સ ૧૭થી બાવીસ લાખ રૂપિયાની કમાણી કરે છે.
રણજી મૅચ રમીને વિરાટ કોહલીએ કેટલી કમાણી કરી?
દિલ્હીનો સ્ટાર બૅટર વિરાટ કોહલી રેલવેઝ સામે પોતાની ૨૪મી રણજી મૅચ અને ૧૫૬મી ફર્સ્ટ ક્લાસ મૅચ રમી રહ્યો હતો. નિયમો અનુસાર કોહલીને એક દિવસના ૬૦,૦૦૦ રૂપિયા મળશે, કારણ કે તે તેની ૧૫૬મી ફર્સ્ટ-ક્લાસ મૅચ રમી રહ્યો હતો. ત્રણ દિવસમાં મૅચ પૂરી થઈ હોવાથી તેની કુલ કમાણી ૧.૮ લાખ રૂપિયા થઈ છે.