04 May, 2026 11:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અજિંક્ય નાઈક
શનિવારે T20 મુંબઈ લીગની પહેલી મહિલા સીઝન અને ચોથી પુરુષ સીઝન માટે ઑક્શન યોજાયું હતું. હવે IPL પછી લગભગ ૧થી ૧૫ જૂન દરમ્યાન આ લીગમાં T20ની ધમાલ જોવા મળશે. આ ઑક્શનમાં મુંબઈ ક્રિકેટ અસોસિએશનના પ્રમુખ અજિંક્ય નાઈકે મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી હતી.
અજિંક્ય નાઈકે કહ્યું હતું કે ‘ડોમેસ્ટિક T20 ટુર્નામેન્ટ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની સ્ક્વૉડનો ભાગ બનવા મુંબઈ T20 લીગમાં રમવું ફરજિયાત હશે. સુનીલ ગાવસકર જેવા ખેલાડીઓના યુગથી મુંબઈમાં પ્રથા રહી છે કે જ્યારે નૅશનલ ટીમનો ખેલાડી કોઈ સિરીઝમાં વ્યસ્ત ન હોય ત્યારે સ્થાનિક ક્લબ માટે રમે છે. હાલમાં શાર્દૂલ ઠાકુર, સૂર્યકુમાર યાદવ જેવા ખેલાડીઓ આ પ્રથાને અનુસરી રહ્યા છે. આ ઑક્શને ભવિષ્યના સ્ટાર્સ માટે લૉન્ચપૅડ તરીકે લીગની પ્રતિષ્ઠાને વધુ મજબૂત બનાવી છે.’
પુરુષ લીગની ૮ ટીમો વચ્ચે ઑલરાઉન્ડર આકાશ પારકર સૌથી વધુ ૧૨ લાખ રૂપિયામાં શ્રેયસ ઐયરની SoBo મુંબઈ ફાલ્કન્સનો ભાગ બન્યો બન્યો હતો. વિકેટકીપર-બૅટર પ્રસાદ પવાર ૧૧.૫૦ લાખ રૂપિયામાં અને ઑલરાઉન્ડર મુશીર ખાન ૧૧ લાખ રૂપિયામાં અંધેરી ટીમનો ભાગ બન્યો છે. શિવમ દુબેની આ ટીમે ઑલરાઉન્ડર અર્જુન તેન્ડુલકરને પણ ૧૦ લાખ રૂપિયામાં ખરીદ્યો છે.