ઘાટકોપર જૉલી જિમખાના દ્વારા આયોજિત મુંબઈ અન્ડર-15 ગર્લ્સ સિલેક્શન ટ્રાયલ ટુર્નામેન્ટની પૂર્ણાહુતિ

03 December, 2025 12:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ટુર્નામેન્ટ બાદ પ્લેયર્સના પર્ફોર્મન્સ જોઈને મુંબઈ તરફથી રમવા માટેની ૧૬ પ્લેયર્સની ટીમનું સિલેક્શન કરવામાં આવશે

રજનીકાંત શાહ, મુકેશ બદાણી, અજિંક્ય નાઈક, અરમાન મલિક સાથે કારોબારીના સભ્યો અને ત્રણેય ટીમના પ્લેયર્સ

ઘાટકોપર ક્રિકેટ સબ-કમિટી દ્વારા ચોથી ગર્લ્સ અન્ડર-15 સિલેક્શન ટ્રાયલ ટુર્નામેન્ટ ૨૫ નવેમ્બરે શરૂ થઈ હતી અને ૧ ડિસેમ્બરે પૂરી થઈ હતી.

ઇનામ-વિતરણ સમારોહમાં જિમખાનાના ચૅરમૅન રજનીકાંત શાહ, સેક્રેટરી મુકેશ બદાણી, ખજાનચી બળવંત સંઘરાજકા, જૉઇન્ટ સ્પોર્ટ્સ કો-ઑર્ડિનેટર પ્રશાંત કારિયા અને ધર્મેશ મહેતા, ક્રિકેટ-ઇન્ચાર્જ નિશિથ ગોળવાલા, મૅનેજિંગ કમિટી મેમ્બર નલિન મહેતા, નીતિન ઠક્કર સાથે મુંબઈ ક્રિકેટ અસોસિએશનના અધ્યક્ષ અજિંક્ય નાઈક, ખજાનચી અરમાન માલિક, ઍપેક્સ કાઉન્સિલના મેમ્બર્સ નીલ સાવંત, વિજ્ઞેશ કદમ તથા ભૂષણ પાટીલ હાજર રહ્યા હતા.

સિલેક્ટ થયેલી ૪૮ ગર્લ્સને ૩ ટીમ (ટીમ રેડ, ટીમ ગ્રીન અને ટીમ બ્લુ)માં ડિવાઇડ કરીને લીગ સિસ્ટમથી ટુર્નામેન્ટ રમાડવામાં આવી હતી. ટીમ રેડ અને ટીમ ગ્રીન ફાઇનલ રમી હતી.
ટીમ રેડે પ્રથમ બૅટિંગ કરીને ૭ વિકેટે ૨૦૫ રન કર્યા હતા. એના જવાબમાં ટીમ ગ્રીને સોનાક્ષી સોલંકીના અણનમ ૧૦૬ રનની મદદથી ૩ વિકેટ ગુમાવીને ૨૦૬ રન બનાવીને ફાઇનલ જીતી લીધી હતી.

બેસ્ટ બૅટર ઑફ ધ ટુર્નામેન્ટ સોનાક્ષી સોલંકી (૧૬૨ રન), બેસ્ટ બોલર અદ્વૈતા તોરસ્કર (૪ વિકેટ) તથા પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ ઉન્નતિ પાટીલ (૮૪ રન અને બે વિકેટ) રહી હતી. વિજયી ટીમને અને રનર-અપ ટીમને ટ્રોફી આપીને નવાજવામાં આવી હતી.

આ ટુર્નામેન્ટ બાદ પ્લેયર્સના પર્ફોર્મન્સ જોઈને મુંબઈ તરફથી રમવા માટેની ૧૬ પ્લેયર્સની ટીમનું સિલેક્શન કરવામાં આવશે.

કાર્યક્રમના અંતે મુંબઈ ક્રિકેટ અસોસિએશનના અધ્યક્ષ અજિંક્ય નાઈકે મહિલા ક્રિકેટને પ્રોત્સાહન આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે મહિલા ક્રિકેટને વધુ ને વધુ આગળ લાવવા મુંબઈ ક્રિકેટ અસોસિએશન પ્રયત્નશીલ રહેશે.

જિમખાનાના ચૅરમૅન રજનીકાંત શાહ તથા સેક્રેટરી મુકેશ બદાણીએ કહ્યું હતું કે મહિલા ક્રિકેટના આયોજન માટે જૉલી જિમખાના હંમેશાં તત્પર રહેશે.
અંતમાં ક્રિકેટ-ઇન્ચાર્જ નિશિથ ગોળવાલાએ કહ્યું હતું કે જૉલી જિમખાના તરફથી રમતી સાયમા ઠાકુર ભારત વતી રમી ચૂકી છે અને હાલમાં મુંબઈ તરફથી રમી રહી છે.

mumbai cricket association ghatkopar cricket news sports sports news