અમારું ૯૦ વર્ષનું બાળક એકદમ સ્વસ્થ છે

06 November, 2025 10:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દાદીના મૃત્યુના ખોટા સમાચાર ફેલાવનારને વિનંતી સાથે અમનજોતનો રમૂજી રિપ્લાય

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

રવિવારે ભારતીય ટીમના વર્લ્ડ ચૅ​મ્પિયન બન્યા બાદ દરેક ખેલાડીઓની સ્ટ્રગલ અને બલિદાનની અનેક સ્ટોરીઓ વાઇરલ થવા લાગી હતી. એમાં અમનજોત કૌરનાં દાદીનું ફાઇનલના એક દિવસ પહેલાં મૃત્યુ થયું હોવાના સમાચાર તેનાથી છુપાવી રાખવામાં આવ્યા હોવાની પણ વાત હતી. જોકે અમનજોતે સોશ્યલ મીડિયામાં એક પોસ્ટ કરીને એ વાત સાવ જ ખોટી હોવાનું અને તેની દાદી એકદમ સ્વસ્થ હોવાનો ખુલાસો કર્યો હતો. અમનજોતે તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોસ્ટ કરી હતી કે ‘હાય, હું બસ એટવું કહેવા માગું છું કે મારી દાદી એકદમ સારી છે અને તેમનું સ્વાસ્થ્ય સારું છે. મહેરબાની કરીને ઑનલાઇન ફેલાઈ રહેલા ખોટા સમાચારો પર વિશ્વાસ ન કરો અને વધુ ફેલાવો નહીં. કાળજી અને ચિંતા સાથે અમારો સંપર્ક કરનાર સર્વેનો આભાર.’
તેણે પોસ્ટમાં છેલ્લે ઉમેર્યું હતું કે અમારું ૯૦ વર્ષનું બાળક એકદમ સ્વસ્થ છે.  

અમનજોત ટુર્નામેન્ટમાં કોઈ પર્ફોર્મન્સ નહોતી બતાવી શકી, પણ ફાઇનલમાં ડેન્જરસ બની રહેલી સાઉથ આફ્રિકન કૅપ્ટન લૉરા વૉલ્વાર્ટના કૅચે તેને સ્ટાર બનાવી દીધી હતી.

indian womens cricket team womens world cup world cup cricket news sports sports news