28 November, 2026 01:44 PM IST | Australia | Gujarati Mid-day Correspondent
નૅથન લાયન
ઑસ્ટ્રેલિયાના સ્પિનર નૅથન લાયન વિશે મહત્ત્વપૂર્ણ રિપોર્ટ સામે આવ્યા છે. અહેવાલ અનુસાર ૨૦૧૮માં સાઉથ આફ્રિકામાં સૅન્ડપેપર કાંડ પછી થોડા મહિનામાં પાકિસ્તાન સામે દુબઈની ટેસ્ટ-સિરીઝમાં બૉલ-ટૅમ્પરિંગનો પ્રયાસ કર્યો હતો. મોટા ભાગના રિપોર્ટમાં એ પ્લેયરનું નામ નૅથન લાયન આપવામાં આવી રહ્યું છે.
સૅન્ડપેપરકાંડના ૬ મહિના પછી ઑક્ટોબર ૨૦૧૮માં પાકિસ્તાન સામેની પ્રથમ ટેસ્ટ-મૅચ દરમ્યાન બૉલની સ્થિતિ બદલવા માટે ખાવા માટેની મિન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અહેવાલો અનુસાર નૅથન લાયનના સૂચનને તરત જ ટ્રૅવિસ હેડ દ્વારા નકારી કાઢવામાં આવ્યું હતું. નવા કૅપ્ટન ટિમ પેન અને હેડ કોચ જસ્ટિન લૅન્ગરે નૅથન લાયનને ઠપકો પણ આપ્યો હતો.
ભૂતપૂર્વ બૅટ્સમૅન ઉસ્માન ખ્વાજાએ થોડા સમય પહેલાં એક પૉડકાસ્ટમાં ખુલાસો કર્યો હતો કે ‘UAEની ટૂર પર બૉલ સાથે ચેડાં કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. એ પ્લેયર સાઉથ આફ્રિકાની ટૂર પર પણ સામેલ હતો.’ ઉસ્માન ખ્વાજાએ તે પ્લેયરનું નામ જાહેર કર્યું નહોતું.
સૅન્ડપેપર કાંડ : પ્લેયર્સને મંતવ્યો રજૂ કરવા માટે ૬ અઠવાડિયાંનો સમય આપ્યો
ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ કાંગારૂ ટેસ્ટ-ટીમની ૨૦૧૮ની સાઉથ આફ્રિકાની ટેસ્ટ-ટૂર સાથે સંબંધિત ઘટનાઓની તપાસ માટે ૬ અઠવાડિયાંના સ્વતંત્ર ફોરમ માટે નિયમો સ્થાપિત કર્યા છે. આ ફોરમ પ્લેયર્સ, સપોર્ટ સ્ટાફ અને અધિકારીઓ પાસેથી એ ટૂર વિશે ઇનપુટ માગશે. એમના નિયમો સંપૂર્ણપણે સ્વૈચ્છિક અને ગુપ્ત રહેશે અને એના માટે કોઈ દંડનો નિર્ણય લેવામાં નહીં આવશે.