27 October, 2026 02:59 PM IST | Pakistan | Gujarati Mid-day Correspondent
મોહસિન નકવી
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે હાલમાં શરૂ થનારી નેપાલ પ્રીમિયર લીગમાં ભાગ લેનારા પાકિસ્તાની ક્રિકેટરોને નો-ઑબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) આપવા બદલ પ્રતિ ખેલાડી પચીસ હજાર ડૉલર માગ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે. પરિણામે ઘણા પાકિસ્તાની ક્રિકેટરો કાઠમાંડુમાં ફસાઈ ગયા છે.
મોહસિન નકવીની આગેવાની હેઠળના પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે હજુ સુધી ખેલાડીઓને NOC આપ્યું નથી. જે ખેલાડીઓને તેમનું NOC મળી ગયું હતું તેમને પણ જાણ કરવામાં આવી છે કે તેમની પરવાનગી હોલ્ડ પર મૂકી દેવામાં આવી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અગાઉ અમેરિકાની મેજર લીગ ક્રિકેટમાં પણ આ રીતે ફંડ એકત્ર કરવાનો પ્રયાસ કર્યો હતો.
નેપાલ પ્રીમિયર લીગમાં સામેલ T20 કૅપ્ટન સાહિબઝાદા ફરહાનને તો પાકિસ્તાનમાં ચાલી રહેલી વન-ડે ત્રિકોણીય સિરીઝ માટે બોલાવી લેવામાં આવ્યો છે. આ સિરીઝની ફાઇનલમાં પાકિસ્તાન હૅટ-ટ્રિક જીત સાથે પહોંચી ચૂક્યું છે. પાકિસ્તાન-શ્રીલંકા અને ઇંગ્લૅન્ડ-શ્રીલંકાની અંતિમ મૅચથી બીજી ફાઇનલિસ્ટ ટીમ નક્કી થશે.