નેધરલૅન્ડ્સની સિરીઝ રદ થઈ, પણ ફ્લાઇટ ન હોવાથી પ્લેયરો સાઉથ આફ્રિકામાં જ છે

29 November, 2021 04:30 PM IST  |  mumbai | Gujarati Mid-day Correspondent

બીસીસીઆઇએ ભારતીય ખેલાડીઓને સાઉથ આફ્રિકા મોકલતાં પહેલાં કેન્દ્ર સરકારને પૂછવું પડશે. તેમની અરજી મળ્યા પછી સરકાર જ અંતિમ નિર્ણય લેશે.

રિદ્ધિમાન સાહા (ફાઈલ ફોટો)

સાઉથ આફ્રિકામાં મળી આવેલા કોરોનાના ઑમિક્રૉન વેરિઅન્ટને કારણે યજમાન દેશ સામેની નેધરલૅન્ડ્સની બીજી અને ત્રીજી વન-ડે રદ કરવામાં આવી છે, પરંતુ નેધરલૅન્ડ્સના ખેલાડીઓ સિરીઝ માટે નક્કી થયેલા સમયગાળા દરમ્યાન સાઉથ આફ્રિકામાં જ રહેશે, કારણ કે યુરોપમાં પોતાના દેશમાં જવા માટે હમણાં તેમને ફ્લાઇટ મળી શકે એમ નથી. એક જાણીતી વેબસાઇટના અહેવાલ મુજબ નેધરલૅન્ડ્સના પ્લેયરોએ આયોજકો અને વહીવટકારોને કહી દીધું છે કે અમે હમણાં રમી શકાય એવી માનસિક હાલતમાં નથી.
યુરોપ સહિત અનેક દેશોએ સાઉથ આફ્રિકાના ઑમિક્રૉન વાઇરસને કારણે વિમાનના પ્રવાસ સંબંધે નિયંત્રણ જાહેર કર્યાં છે.
દરમ્યાન ઝિમ્બાબ્વેમાં આઇસીસીએ મહિલાઓના આગામી વન-ડે વર્લ્ડ કપ માટેની ક્વૉલિફાઇંગ મૅચો પણ હમણાં રદ જાહેર કરી છે.
બીસીસીઆઇને કેન્દ્ર સરકારની ખાસ સૂચનાનો ઇન્તેજાર
ભારતીય ટીમ આગામી ડિસેમ્બર-જાન્યુઆરીમાં સાઉથ આફ્રિકાના ૭ અઠવાડિયાંના પ્રવાસે જવાની છે, પણ એ દેશમાં ઑમિક્રૉન નામના કોરોનાના નવા વેરિઅન્ટના કેટલાક કેસ નોંધાતાં આ ટૂર પર અનિશ્ચિતતાનાં વાદળો છવાઈ ગયાં છે. હાલમાં બન્ને દેશની સરહદો ખુલ્લી હોવાથી ભારતીય ટીમે કેન્દ્ર સરકારની ખાસ પરવાનગી લેવી પડશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અધિકારીઓને ટ્રાવેલને લગતાં નિયંત્રણો હળવાં કરી શકાય એ સંબંધમાં સમીક્ષાની યોજના બનાવવાનો આદેશ આપ્યો છે.
ભારતીય ખેલાડીઓ ૮-૯ ડિસેમ્બરે સાઉથ આફ્રિકા જવાના છે. જો એ તારીખ સુધી બેમાંથી એક દેશની સરહદ વિદેશપ્રવાસ માટે બંધ 
કરવામાં આવશે તો ટીમ ઇન્ડિયાની ટૂર મુલતવી રખાશે. હાલના ટાઇમટેબલ પ્રમાણે ૧૭ ડિસેમ્બરથી ૨૬ જાન્યુઆરી દરમ્યાન સાઉથ આફ્રિકામાં ભારતની ત્રણ ટેસ્ટ, ત્રણ વન-ડે અને ચાર 
ટી૨૦ રમાશે.

Sports news cricket news coronavirus