21 November, 2026 09:26 AM IST | Rawalpindi | Gujarati Mid-day Correspondent
શ્રીલંકા સામે ટેસ્ટ-સિરીઝ ૧-૦થી જીતી ગયા બાદ ટ્રોફી સાથે પાકિસ્તાની ખેલાડીઓ
રાવલપિંડીમાં આયોજિત શ્રીલંકા સામેની બીજી ટેસ્ટ-મૅચ ૮ વિકેટે જીતીને પાકિસ્તાને બે ટેસ્ટ-મૅચની સિરીઝ પર ૧-૦થી કબજો કર્યો છે. બન્ને વચ્ચે રાવલપિંડીમાં રમાયેલી પહેલી ટેસ્ટ-મૅચ ડ્રૉ રહી હતી. ૨૦૧૭ પછી આ હરીફ સામે પાકિસ્તાન ત્રીજી ટેસ્ટ-મૅચ જીત્યું છે. એક સિરીઝ ડ્રૉ પણ રહી હતી.
પાકિસ્તાન બે વર્ષ પછી ટેસ્ટ-સિરીઝ જીત્યું છે. ઑક્ટોબર ૨૦૨૪માં ઇંગ્લૅન્ડ સામે ટેસ્ટ-સિરીઝ જીત્યા પછી પાકિસ્તાન ત્રણ સિરીઝ હાર્યું હતું અને ત્રણ સિરીઝ ડ્રૉ રહી હતી. ૧૯૯૭ પછી પહેલી વખત શ્રીલંકા એક કૅલેન્ડર યર એક પણ ટેસ્ટ-જીત વગર સમાપ્ત કરશે. શ્રીલંકા માર્ચ ૨૦૨૪થી વિદેશમાં આયોજિત સતત ૪ ટેસ્ટ-સિરીઝ હાર્યું છે.
બીજી મૅચમાં પહેલી ઇનિંગ્સમાં ૯૮ રન કરનાર શ્રીલંકાએ બીજી ઇનિંગ્સમાં ૯૫ ઓવરમાં ૩૧૬-૧૦નો સ્કોર કરીને માત્ર ૯૦ રનનો ટાર્ગેટ સેટ કર્યો હતો. પહેલી ઇનિંગ્સમાં ૩૨૫-૧૦ કરનાર પાકિસ્તાને ૧૩ ઓવરમાં ૯૦-૨નો સ્કોર કરીને મૅચ જીતી હતી. ફાસ્ટ બોલર મોહમ્મદ અબ્બાસ ૬ વિકેટ લઈને પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો અને ૮ વિકેટ લેવાને કારણે પ્લેયર ઑફ ધ સિરીઝ પણ બન્યો હતો.
૩૦૯-૯ના સ્કોરથી ચોથા દિવસની શરૂઆત કરનાર શ્રીલંકન ટીમ માત્ર ૭ રન ઉમેરી શકી હતી. પાકિસ્તાન માટે અઝાન અવૈસે ૩૬ બૉલમાં ૩૨ રન અને આમિર જમાલે બાવીસ બૉલમાં ૩૪ રન કરીને ઝડપથી ૯૦ રનનો લક્ષ્યાંક પૂરો કર્યો હતો.
WTCમાં પાકિસ્તાન-શ્રીલંકા હજી પણ તળિયાની ટીમ
વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ના પૉઇન્ટ-ટેબલમાં હજી પણ પાકિસ્તાન અને શ્રીલંકા તળિયાની ટીમોમાંથી એક છે. રાવલપિંડીમાં રમાયેલી બે ટેસ્ટ-મૅચની સિરીઝ પછી પાકિસ્તાનના પૉઇન્ટ ચારથી વધીને ૧૬ થયા છે. પૉઇન્ટ ટકાવારી ૩.૩૩થી વધીને ૧૨.૧૨ થઈ છે. ૯ ટીમો વચ્ચે આઠમા ક્રમે રહેલી શ્રીલંકન ટીમના પૉઇન્ટ ૧૩ જ રહ્યાં છે. પૉઇન્ટ ટકાવારી ૧૫.૪૮થી ઘટીને ૧૩.૫૪ ટકા થઈ ગઈ છે.