28 February, 2026 10:38 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પાકિસ્તાન અને શ્રીલંકાના કૅપ્ટન
પલેકેલેમાં આજે સાંજે T20 વર્લ્ડ કપની પચાસમી અને સુપર 8ના ગ્રુપ ટૂની અંતિમ મૅચ રમાશે. સુપર 8ના ગ્રુપ ટૂમાં એક રદ મૅચ અને એક હારને કારણે પાકિસ્તાન એક પૉઇન્ટ સાથે ત્રીજા ક્રમે છે. યજમાન શ્રીલંકા સતત બે હારને કારણે હાલમાં તળિયાની ટીમ છે.
પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે T20 ફૉર્મેટમાં ૨૯ મૅચ રમાઈ છે. એમાંથી પાકિસ્તાન ૧૭ મૅચ જીત્યું છે અને શ્રીલંકા ૧૨ મૅચમાં વિજેતા રહ્યું છે. પલેકેલેના મેદાન પર શ્રીલંકાને ૨૭ T20 મૅચમાંથી ૧૩માં જીત અને ૧૩માં હાર મળી છે, જ્યારે એક મૅચ નો-રિઝલ્ટ રહી હતી. પાકિસ્તાન અહીં ત્રણમાંથી એક T20 મૅચ જ જીત્યું છે.
T20 વર્લ્ડ કપમાં બન્ને ટીમ ૧૪ વર્ષ બાદ રમશે. બન્ને ટીમ આ ટુર્નામેન્ટમાં સામસામે ૪ વખત રમી છે અને બન્નેને ૨-૨ જીત મળી છે. ૨૦૦૭ની ગ્રુપ-સ્ટેજ મૅચ અને ૨૦૦૯ની ફાઇનલ મૅચ પાકિસ્તાન જીત્યું હતું, જ્યારે ૨૦૦૯ની ગ્રુપ-સ્ટેજ મૅચ અને ૨૦૧૨ની સેમી-ફાઇનલ મૅચ શ્રીલંકા જીત્યું હતું.