21 August, 2026 12:19 PM IST | England | Gujarati Mid-day Correspondent
પાકિસ્તાનને સાથે મળીને ઑલઆઉટ કર્યા બાદ ડાબેથી જૉશ ટન્ગ અને ઓલી રૉબિન્સન, આ બન્ને ફાસ્ટ બોલર્સે બૉલને કાપીને એક-એક ભાગ પોતાની પાસે યાદગીરી રૂપે રાખ્યો હતો.
લીડ્સમાં બુધવારે ઇંગ્લૅન્ડ અને પાકિસ્તાન વચ્ચે ત્રણ ટેસ્ટ-મૅચની સિરીઝની શરૂઆત થઈ હતી. પહેલી ટેસ્ટ-મૅચના પહેલા દિવસે ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરનાર પાકિસ્તાની ટીમ ૪૮.૧ ઓવરમાં ૧૭૧ રને તંબુભેગી થઈ ગઈ હતી. દિવસના અંતે ઇંગ્લૅન્ડની ટીમે પચીસ ઓવરમાં ૧૧૨/૨નો સ્કોર કર્યો હતો.
પાકિસ્તાન માટે અબ્દુલ્લા શફીકે ૧૦૪ બૉલમાં ૬૧ રન અને ઇમામ-ઉલ-હકે ૭૪ બૉલમાં ૪૨ રન કર્યા હતા. ટીમના માત્ર પાંચ બૅટર્સ ડબલ ડિજિટનો સ્કોર કરી શક્યા હતા. ટીમે પોતાની અંતિમ પાંચ વિકેટ બાવીસ રનની અંદર ગુમાવી દીધી હતી.
ઇંગ્લૅન્ડના ફાસ્ટ બોલર્સ ઑલી રૉબિન્સન અને જૉશ ટન્ગ ટેસ્ટ ક્રિકેટમાં બૅક-ટુ-બૅક બૉલે પાંચ વિકેટ પૂરી કરનાર બોલરોની પહેલી જોડી બન્યા હતા. ઓલી રૉબિન્સને ૪૮મી ઓવરના અંતિમ બૉલે અને જૉશ ટન્ગે ૪૯મી ઓવરના પહેલા બૉલે વિકેટ લઈને પોતાની પાંચ-પાંચ વિકેટ પૂરી કરી હતી.
ઑલી રૉબિન્સને ૧૮ ઓવરમાં ૫૧ રન અને જૉશ ટન્ગે ૯.૧ ઓવરમાં ૪૬ રન આપ્યા હતા. આ યાદગાર બોલિંગ બાદ બન્ને બોલર્સે ઉપયોગમાં લેવાયેલા બૉલને કાપીને યાદગીરી રૂપે એક-એક ભાગ પોતાની પાસે રાખ્યો હતો.
ઑલી રૉબિન્સને કરી કપિલ દેવ જેવી કમાલ
પાકિસ્તાની ઓપનર અઝાન અવૈસ મૅચના પહેલા જ બૉલ પર ઑલી રૉબિન્સન સામે LBW આઉટ થયો હતો. ૪૩ વર્ષ બાદ કોઈ પાકિસ્તાની બૅટર ટેસ્ટ-મૅચના પહેલા બૉલે આઉટ થયો હતો. ઑલી રૉબિન્સનની પહેલાં કપિલ દેવે ૧૯૮૩માં જાલંધર ટેસ્ટ-મૅચમાં મોહસિન ખાનને આઉટ કરીને પાકિસ્તાની બૅટરને પહેલા બૉલે તંબુભેગા કરવાની સિદ્ધિ મેળવી હતી.