ભારત સામે હૅટ-ટ્રિક હાર બાદ પાકિસ્તાનના સલમાન અલી આગાનું કૅપ્ટનપદ જોખમમાં

18 October, 2025 12:47 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

મેન્સ T20 એશિયા કપ 2025માં ટીમ ઇન્ડિયા સામે મળેલી લાગલગાટ ૩ કારમી હાર બાદ પાકિસ્તાનના કૅપ્ટન સલમાન અલી આગાનું કૅપ્ટનપદ ખતરામાં છે.

ભારત સામે હૅટ-ટ્રિક હાર બાદ પાકિસ્તાનના સલમાન અલી આગાનું કૅપ્ટનપદ જોખમમાં

મેન્સ T20 એશિયા કપ 2025માં ટીમ ઇન્ડિયા સામે મળેલી લાગલગાટ ૩ કારમી હાર બાદ પાકિસ્તાનના કૅપ્ટન સલમાન અલી આગાનું કૅપ્ટનપદ ખતરામાં છે. તેના કંગાળ બૅટિંગ-પ્રદર્શનને કારણે T20 ફૉર્મેટમાં તે ખેલાડી તરીકે પોતાનું સ્થાન મજબૂત કરી શકશે કે નહીં એ વિશે ઘણી ચર્ચા થઈ છે. આગામી T20 વર્લ્ડ કપ 2026ને ધ્યાનમાં રાખીને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ કૅપ્ટનપદના વિકલ્પો પર ધ્યાન કેન્દ્રિત કરશે. 

અનુભવી ઑલરાઉન્ડર શાદાબ ખાન ઇંગ્લૅન્ડમાં ખભાની સર્જરી બાદ હવે ટીમમાં વાપસી કરશે. સર્જરી કરાવતાં પહેલાં જૂન મહિના સુધી તે આ ફૉર્મેટમાં વાઇસ-કૅપ્ટન હતો. ૨૭ વર્ષનો આ પ્લેયર પહેલેથી જ T20 ક્રિકેટમાં પાકિસ્તાનનું નેતૃત્વ કરી ચૂક્યો છે અને પાકિસ્તાન સુપર લીગ (PSL) અને સ્થાનિક ક્રિકેટમાં કૅપ્ટન્સીનો વ્યાપક અનુભવ ધરાવે છે. લાંબા ગાળાના કૅપ્ટન તરીકે તેના નામની ચર્ચા શરૂ થઈ ગઈ છે. આવતા મહિને શ્રીલંકા સામેની ઘરઆંગણાની સિરીઝ પહેલાં કૅપ્ટન્સી અંગે ચિત્ર સ્પષ્ટ થશે.

asia cup team india t20 asia cup 2025 pakistan sri lanka cricket news sports news sports