કાંગારૂઓ સામે હૅટ-ટ્રિક વન-ડે સિરીઝ જીતનાર પ્રથમ એશિયન ટીમ બની પાકિસ્તાન

06 June, 2026 10:40 AM IST  |  Lahore | Gujarati Mid-day Correspondent

ત્રીજી વન-ડેમાં ઑસ્ટ્રેલિયાના ૧૫૮ રનના ટાર્ગેટ સામે ૬ વિકેટે ૧૬૧ રન કરીને ૪૯ બૉલ પહેલાં જીતી યજમાન ટીમ

વન-ડે સિરીઝની ટ્રોફી સાથે જીતની ઉજવણી કરતા પાકિસ્તાનના પ્લેયર્સ

ગઈ કાલે લાહોરમાં ઑસ્ટ્રેલિયા સામે ત્રીજી અને નિર્ણાયક વન-ડે મૅચ ૪ વિકેટે જીતીને પાકિસ્તાને ૨-૧થી સિરીઝ પોતાના નામે કરી લીધી હતી. કૅપ્ટન જૉશ ઇંગ્લિસના ૭૧ બૉલમાં ૬૫ રનની મદદથી કાંગારૂ ટીમ ૪૨ ઓવરમાં ૧૫૭ રને ઑલઆઉટ થઈ ગઈ હતી. ૮૪ બૉલમાં ૪૦ રન કરનાર બાબર આઝમની ધીમી બૅટિંગને કારણે પાકિસ્તાને છેક ૪૧.૫ ઓવરમાં ૬ વિકેટે ૧૬૧ રન કરીને મૅચ પૂરી કરી હતી.

ત્રીજી મૅચમાં ૩૦ રન આપીને ૩ વિકેટ લેનાર ફાસ્ટ બોલર શાહીન આફ્રિદી પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો. ૨૧ વર્ષના ઑલરાઉન્ડર અરફાત મિન્હાસે ૬૦ રન કરવાની સાથે ૭ વિકેટ લીધી હોવાથી પહેલી જ વન-ડે સિરીઝમાં તે પ્લેયર ઑફ ધ સિરીઝ બન્યો હતો.

ઑસ્ટ્રેલિયા સામે લાગલગાટ ત્રીજી વન-ડે સિરીઝ જીતનાર પાકિસ્તાન પહેલી એશિયન ટીમ બની છે. અગાઉ ૨૦૨૨માં ઘરઆંગણે અને ૨૦૨૪માં ઑસ્ટ્રેલિયામાં પાકિસ્તાન આ હરીફ સામે ૨-૧ના સ્કોરથી જ વન-ડે સિરીઝ જીત્યું હતું. વિશ્વમાં પહેલી વખત સાઉથ આફ્રિકા ૨૦૦૬થી ૨૦૦૯ દરમ્યાન ખતરનાક ગણાતા ઑસ્ટ્રેલિયા સામે સતત ત્રણ વન-ડે સિરીઝ જીત્યું હતું. 

pakistan australia one day international odi cricket news sports sports news