પાકિસ્તાનની અડધી ટીમે કિંગ ચાર્લ્સ સાથે કરી મુલાકાત

04 September, 2026 10:20 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

ઇંગ્લૅન્ડ પ્રવાસે ગયેલી પાકિસ્તાની ટીમે લંડનમાં કિંગ ચાર્લ્સ સાથે મુલાકાત કરી. બાબર આઝમે ટીમના ઑટોગ્રાફવાળું બૅટ ભેટ આપતાં સોશ્યલ મીડિયા પર રમૂજી કમેન્ટ્સ થઈ.

પાકિસ્તાન ક્રિકેટ ટીમ સાથે કિંગ ચાર્લ્સ

ઇંગ્લૅન્ડની ટેસ્ટ-ટૂર પર ગયેલી પાકિસ્તાની ટીમના સભ્યોએ ગઈ કાલે લંડનમાં ક્લેરેન્સ હાઉસમાં બ્રિટનના કિંગ ચાર્લ્સ સાથે મુલાકાત કરી હતી. ૭ ખેલાડીઓ અને બે કોચને ટૂર પરથી બહાર કર્યા પછી પાકિસ્તાનની ટીમની આ મુલાકાતમાં ટીમના અડધા જ સભ્યો જોવા મળ્યા હતા. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ મોહસિન નકવી પણ સપોર્ટ-સ્ટાફના સભ્યો સાથે આ મુલાકાતમાં સામેલ હતા.
ટેસ્ટ-ટીમના કૅપ્ટન બાબર આઝમે કિંગ ચાર્લ્સને ટીમના ઑટોગ્રાફવાળું બૅટ ભેટમાં આપ્યું હતું. સોશ્યલ મીડિયા પર ક્રિકેટ-ફૅન્સે આ ઘટના વિશે રમૂજી કમેન્ટ કરી હતી. લોકોએ પૂછ્યું કે ‘શું ટીમમાંથી બહાર કરાયેલા ખેલાડીઓએ આ બૅટ પર સહી કરી હતી?’ 
ઇંગ્લૅન્ડ સામે ૦-૨થી ટેસ્ટ-સિરીઝ ગુમાવનાર પાકિસ્તાન ૯ સપ્ટેમ્બરથી ત્રીજી અને અંતિમ ટેસ્ટ-મૅચ રમવા ઊતરશે.

યુરોપિયન T20 પ્રીમિયર લીગની પહેલવહેલી હૅટ-ટ્રિક ઑલરાઉન્ડર ટૉમ કરૅને લીધી 

ઍક્ટર અભિષેક બચ્ચન દ્વારા સંચાલિત યુરોપિયન T20 પ્રીમિયર લીગની અગિયારમી મૅચમાં ટુર્નામેન્ટની પહેલી હૅટ-ટ્રિક જોવા મળી હતી. આ મૅચમાં એડિનબર્ગ કૅસલ રૉકર્સના ૧૮૯/૫ના સ્કોર સામે બેલફાસ્ટ વુલ્વ્સ ૧૭.૧ ઓવરમાં ૧૩૦ રને ઑલઆઉટ થઈને ૫૯ રને હાર્યું હતું. ૬ ટીમોના આ જંગમાં એડિનબર્ગ કૅસલ રૉકર્સ અજેય રહીને પૉઇન્ટ-ટેબલમાં નંબર વનના સ્થાને છે.
ઇંગ્લૅન્ડના ઑલરાઉન્ડર સૅમ કરૅનનો સૌથી મોટા ભાઈ ટૉમ કરૅન યુરોપિયન T20 પ્રીમિયર લીગમાં હૅટ-ટ્રિક લેનાર પહેલો ખેલાડી બન્યો હતો. ૩૧ વર્ષના આ ફાસ્ટ બોલિંગ ઑલરાઉન્ડરે એડિનબર્ગ કૅસલ રૉકર્સ માટે ૩.૧ ઓવરમાં ૨૦ રન આપીને ૪ વિકેટ લીધી હતી. સોળમી ઓવરના પાંચમા બૉલે અને છઠ્ઠા બૉલે તથા અઢારમી ઓવરના પહેલા બૉલે તેણે વિકેટ લીધી હતી. 

pakistan england cricket news sports news sports