ઇંગ્લૅન્ડ સામેની ત્રીજી ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવનમાં પાકિસ્તાનને ફાંફાં પડી શકે

03 September, 2026 12:10 PM IST  |  Birmingham | Gujarati Mid-day Correspondent

નવા ખેલાડીઓની વીઝા-પ્રક્રિયા સમયસર પૂરી થશે કે કેમ એ સવાલ છે ત્યારે કૅપ્ટન બાબર આઝમ પણ તાવમાં સપડાયો

પાકિસ્તાન ટેસ્ટ ટીમ

ઇંગ્લૅન્ડ સામે પ્રથમ બન્ને ટેસ્ટમાં હાર સાથે સિરીઝ ગુમાવનાર પાકિસ્તાન હવે ત્રીજી અને છેલ્લી ટેસ્ટમાં વાઇટવૉશની નામોશી ટાળવા મેદાનમાં ઊતરશે. જોકે છેલ્લા બે દિવસના ડેવલપમેન્ટને લીધે બુધવારથી શરૂ થતી ટેસ્ટમાં પાકિસ્તાન પાસે પ્લેઇંગ ઇલેવનનાં ફાંફાં પડી શકે એમ છે. 
સતત બે ભૂંડા પરાજય બાદ ઍક્શનમાં આવીને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે હેડ કોચ અને બોલિંગ કોચ સાથે સાત-સાત ખેલાડીઓની હકાલપટ્ટી કરીને બધાને ચોંકાવી દીધા છે. વાઇટ-બૉલ ટીમના કોચ માઇક હેસન અને બોલિંગ કોચ ઍશ્લી નોફકેને ટીમની જવાબદારી સોંપી છે અને મોહમ્મદ રિઝવાન, સલમાન અલી આગા વગેરે સિનિયર ખેલાડીઓના સ્થાને મોટા ભાગે T20 ક્રિકેટનો અનુભવ ધરાવતા ખેલાડીઓને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. આ ખેલાડીઓ મેદાનમાં કેવું પર્ફોર્મ કરશે એ પહેલાં તેમની ઇંગ્લૅન્ડના વીઝાની પ્રક્રિયા સમયસય પૂરી થઈ શકશે કે કેમ એ એક મોટો સવાલ છે. જો કોઈ સમસ્યા આવી તો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ શરમજનક સ્થિતિમાં મુકાઈ શકે છે.  
બીજી તરફ કૅપ્ટન બાબર આઝમ ફરી બીમાર પડી ગયો છે અને તેને સખત તાવ છે. તે પણ બુધવાર પહેલાં સંપૂર્ણ ફિટ થઈ શકશે કે કેમ એ ‌ચિંતાનો વિષય છે. બાબરે ઇન્જરીને લીધે પ્રથમ ટેસ્ટ ગુમાવી હતી અને તેના સ્થાને સલમાન અલી આગાએ જવાબાદારી નિભાવી હતી. મૅનેજમેન્ટે સલમાનને પણ ઇંગ્લૅન્ડથી રવાના કરી દીધો છે. 
આ બધાં ડેવલપમેન્ટથી નારાજ થઈને પાકિસ્તાનના ભૂતપૂર્વ કૅપ્ટન મિસ્બાહ-ઉલ-હકે પણ મેન્સ નૅશનલ ટીમની સિલેક્શન કમિટીમાંથી રાજીનામું આપી દીધું છે. અનેક ભૂતપૂર્વ પાકિસ્તાની ખેલાડીઓ બોર્ડના આ સાગમટે હકાલપટ્ટી કરવાના નિર્ણયની ભારે ટીકા કરી રહ્યા છે. 

pakistan england test cricket babar azam cricket news sports news sports